• બોબી વાઈનના બુલેટપ્રૂફ વ્હીકલ પર $૯૩,૪૨૦નો ટેક્સઃ
યુગાન્ડા રેવન્યુ ઓથોરિટી (URA)એ પ્રમુખપદના ભૂતપૂર્વ ઉમેદવાર બોબી વાઈનના બુલેટપ્રૂફ વ્હીકલ માટે ટેક્સ પેટે Ush ૩૩૭ મિલિયન (અંદાજે ૯૩,૪૨૦ ડોલર) ચૂકવવા જણાવ્યું હતું. બોબી વાઈનના વકીલ વામેલી એન્ડ કંપની એડવોકેટ્સને પાઠવેલી નોટિસમાં URAએ જણાવ્યું હતું કે ફેરચકાસણીમા આપના અસીલની ટોયોટા લેન્ડ ક્રૂઝર V8 Reg. No. UBJ 667 F બુલેટપ્રૂફ હોવાનું જણાયું હતું. અગાઉ ૧૨ ફેબ્રુઆરીએ આ વાહનની સામાન્ય મોટર તરીકે આકારણી કરાઈ હતી. તેથી આ વ્હીકલનું રિ-એસેસમેન્ટ કરાયું હતું.
• મુસેવેની પરિવાર યુગાન્ડાની સૌથી મોટી સમસ્યાઃ
ભૂતપૂર્વ સિનિયર પ્રેસિડેન્સિયલ પ્રેસ સેક્રેટરી જોસેફ તમાલે મીરુન્ડીએ જણાવ્યું હતું કે પ્રમુખ યોવેરી મુસેવેનીનો પરિવાર જ યુગાન્ડાની સૌથી મોટી સમસ્યા છે. તેમણે જણાવ્યું કે પ્રમુખ મુસેવેનીએ ટેક્સપેયરોના નાણાં ક્યાન્કવાન્ઝીના નવા સાંસદો પાછળ ખર્ચવાને બદલે તેમના પરિવારના સભ્યોને શીખવવું જોઈએ. તેમની વૃત્તિ યુગાન્ડાને તેમના ઘરની માફક ચલાવવાની છે. મીરુન્ડી મુજબ સાંસદો તેમના મતદારો માટે પારદર્શકતાથી કામગીરી કરે તો પણ પ્રમુખ મુસેવેનીએ તેમના પરિવારના સભ્યોનો મુદ્દો ઉકેલ્યો ન હોવાથી યુગાન્ડા કંઈ પણ સારું હાંસલ કરી શકશે નહીં.
• ભ્રષ્ટાચારના કેસમાંથી જેકબ ઝૂમાના વકીલો ખસી ગયાઃ
સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ પ્રમુખ જેકબ ઝૂમાનો ભ્રષ્ટાચારનો કેસ લડતા વકીલોએ આ કેસમાંથી ખસી જવા નોટિસ દાખલ કરી હતી. એરિક મબુઝાના નેતૃત્વ હેઠળના વકીલોએ ઝૂમાના એટર્ની તરીકે નોટિસ દાખલ કરી હતી. પરંતુ, કેસમાંથી ખસી જવાનું કોઈ કારણ જણાવ્યું ન હતું. ઝૂમાએ તેમની લીગલ ફી ચૂકવવી પડશે તેવા સુપ્રીમ કોર્ટ ઓફ અપીલે આપેલા ચૂકાદા પછી જેકબ ઝૂમાને આ બીજો ફટકો પડ્યો છે. તે કોર્ટે જ અગાઉના વર્ષોમાં સરકાર પાસેથી મેળવેલા નાણાંમાંથી વકીલોના ચાર્જીસ તરીકે અંદાજે બે મિલિયન ડોલર પરત ચૂકવવાનો ઝૂમાને આદેશ કર્યો હતો.
• મુસેવેનીએ આર્થિક રિકવરી અને વિસ્તરણની ફરી ખાતરી આપીઃ
પ્રમુખ યોવેરી મુસેવેનીએ ૧૯૮૬ થી શાસન સંભાળતી NRM સરકારના કાર્ડિનલ મિશનને રાષ્ટ્રીય લઘુત્તમ આર્થિક રિકવરી અને વિસ્તરણની ફરી ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ડેરી પ્રોડક્ટ્સ સહિત અનાજના પાક રોકડ આવક ઉભી કરતી વસ્તુઓ બની હોવાથી દેશના અર્થતંત્રનો સતત વિકાસ થઈ રહ્યો છે. NRM ચૂંટણી ઢંઢેરાના અમલીકરણના મુદ્દે નેશનલ લીડરશીપ ઈન્સ્ટિટ્યુટ ખાતે સંબોધન કરતાં મુસેવેનીએ જણાવ્યું હતું કે હાલ યુગાન્ડા ૬૦ મિલિયન કિલો ચા, ૭૦ મિલિયન કોફી બેગની નિકાસ કરી રહ્યું છે. ૨૦૧૬ - ૨૦૨૧ના NRMના ચૂંટણી ઢંઢેરાની રાજકીય વિશ્વસનીયતા અને વિશ્લેષણ દરમિયાન મુસેવેનીએ ઉમેર્યું હતું કે કપાસનું ઉત્પાદન વધી ગયું છે અને કોવિડ મહામારી પહેલા ટુરિઝમની આવક મુખ્ય રાષ્ટ્રીય વિદેશી હૂંડિયામણની આવક હતી.