• ભૂતપૂર્વ વડા પ્રધાનને અપાયેલી મુક્તિ પાછી ખેંચવા જ્યુડિશિયરીનો અનુરોધઃ
કોંગોના ન્યાયતંત્રે ભૂતપૂર્વ વડા પ્રધાન ઓગસ્ટિન મટાટા પોન્યોને અપાયેલી સંસદીય મુક્તિ પાછી ખેંચી લેવા અનુરોધ કર્યો હતો. પોન્યો ૨૦૧૨થી ૨૦૧૬ સુધી કોંગોના વડા પ્રધાન હતા. તેઓ કિન્હાસાથી ૨૫૦ કિ.મીના અંતર તૈયાર થનારા એગ્રો ઈન્ડસ્ટ્રીયલ પાર્ક માટે અપાયેલા ૨૦૫ મિલિયન ડોલરની ઉચાપતના કેસમાં સંડોવાયેલા છે. પોન્યોએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે તેઓ કોઈ બાબતે ગભરાતા નથી. ન્યાય પર અન્યાય પ્રવર્તતો હોય તો પણ તેઓ ન્યાયતંત્ર સમક્ષ હાજર થશે. પોન્યોએ જણાવ્યું કે તેમની સામેના તમામ આક્ષેપો જૂઠ્ઠાણાથી ભરેલા છે.
• શંકાસ્પદ બિઝનેસ કરારોમાં DRCએ $૪ બિલિયન ગુમાવ્યાઃ
ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC) એ ઈઝરાયલી બિઝનેસમેન ડેન જેર્ટલર સાથે કરેલા શંકાસ્પદ માઈનિંગ અને ઓઈલ કોન્ટ્રાક્ટસમાં લગભગ ૪ બિલિયન ડોલરનું નુક્સાન થયું હોવાનો NGOના સંગઠને એક અહેવાલમાં અંદાજ મૂક્યો હતો. પબ્લિક ફાઈનાન્સિયલ ડેટાના વિશ્લેષણ મુજબ DRCએ ૨૦૦૩થી ૨૦૨૧ વચ્ચે ૧.૯૫ બિલિયન ડોલરની આવક ગુમાવી હતી. તેને રોકવામાં નહીં આવે તો રોયલ્ટીના સ્વરૂપે ૨૦૨૧થી ૨૦૩૯ વચ્ચે વધારાના ૧.૭૬ બિલિયન ડોલરનું નુક્સાન જશે. કોંગોના માઈનિંગ સેક્ટરના અગ્રણી ડેન જેર્ટલર સાથેના આ કરારોના પરિણામે કોંગો ૩.૭૧ બિલિયન ડોલર ગુમાવશે.