સંક્ષિપ્ત સમાચાર (આફ્રિકા)

Wednesday 24th March 2021 07:27 EDT
 

• યુગાન્ડાના નેશનલ પાર્કમાં છ સિંહ મૃત હાલતમાં મળ્યાઃ

યુગાન્ડાના અતિ વિખ્યાત પાર્ક્સ પૈકી એક ક્વીન એલિઝાબેથ નેશનલ પાર્કમાંથી સંકાસ્પદ પોઈઝનીંગને પગલે છ સિંહ મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમના માથા અને પંજા સહિતના અંગો અલગ કરી દેવાયા હતા અને તેમની આસપાસ મૃત હાલતમાં ગીધ મળ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. આ સિંહો વૃક્ષ પર ચડવાની તેમની ક્ષમતાને લીધે જાણીતા છે. યુગાન્ડા વાઈલ્ડલાઈફ ઓથોરિટી (UWA)એ જણાવ્યું હતું કે વન્યપ્રાણીઓની ગેરકાયદે હેરફેરને નકારી શકાય નહીં. આ ઘટનામાં તપાસ શરૂ કરી દેવાઈ છે.    

   
• સેનેગલના વિપક્ષી નેતા પર દુષ્કર્મનો આરોપ

સેનેગલના વિરોધપક્ષના નેતા ઓસ્માન સોન્કો પર દુષ્કર્મનો આરોપ લગાવનારી મહિલાએ તેનો આરોપ ફરીથી દોહરાવ્યો હતો. મહિલા અદજી સારે જણાવ્યું હતું કે સોન્કોની ધરપકડની બાબતે થયેલી અથડામણોને પગલે તેના કેસની કાર્યવાહી થવી જ જોઈએ. અદજી સારે કહ્યું કે સોન્કોએ તેને ઘણી વખત તેની સાથે સૂવાની ફરજ પાડી હતી અને ના પાડે તો ગંભીર પરિણામની ધમકી આપી હતી. તેણે ઉમેર્યું કે તે સોન્કોને લીધે ગર્ભવતી પણ બની હતી.

 
• કોંગો - બ્રાઝાવિલેના પ્રમુખ સાસ્સો-ન્ગુએસ્સોની પ્રારંભિક સરસાઈ


લાંબા સમયથી કોંગોના પ્રમુખપદે રહેલા ૭૭ વર્ષીય ડેનિસ સાસ્સો-ન્ગુએસ્સો ચોથી ટર્મમાં વિજય મેળવવા તરફ આગળ વધી રહ્યા હોવાનું ચાલી રહેલી મતગણતરીના પ્રારંભિક પરિણામોમાં જણાયું હતું. ૨૧ માર્ચને રવિવારે પ્રમુખપદની ચૂંટણી યોજાઈ હતી. તે દિવસે જ તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી ગાય-બ્રીસ પારફૈટ કોલેલાસનું કોરોનાની બીમારીને લીધે મૃત્યુ થયું હતું. ૩૫ મતદાન મથકોના પ્રાથમિક સત્તાવાર પરિણામો પ્રમાણે ન્ગુએસ્સોને પ્રથમ તબક્કામાં ભવ્ય વિજય મળવાના સંકેત હતા. ૮૬ જિલ્લાના ૪૦ ટકા જિલ્લામાં ન્ગુએસ્સો આગળ હોવાના અને કેટલાંક વિસ્તારોમાં ૧૦૦ ટકા વોટ મેળવ્યા હોવાનું જણાયું હતું.          


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter