• મોઝામ્બિકમાં ઝાડ સાથે બાંધેલા ૧૨ મૃતદેહ મળ્યાઃ
તાજેતરમાં ઔદ્યોગિક શહેર પાલ્માની હોટલ અમારુલા લોજમાં આઈએસએ કરેલા નિર્મમ નરસંહાર પછી ઉત્તર મોઝામ્બિકમાં આંબાના ઝાડ સાથે બાંધેલી હાલતમાં ૧૨ વિદેશી નાગરિકોના મૃતદેહ મળી આવ્યા હતા. ઘટના વખતે તેમણે નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હશે ત્યારે તેમને પકડીને બાંધી દીધા પછી તેમના શિરચ્છેદ કરાયા હોવાનું મનાય છે. આ ઘટનામાં મોટાભાગના વિદેશી કર્મચારીઓ તથા બાળકો સહિત અંદાજે ૨૦૦ લોકોને રહેંસી નખાયા હતા. ક્વિટુન્ડા પોલીસ સ્ટેશનના કમાન્ડર પેડ્રો દ સિલ્વાએ જણાવ્યું કે તે મૃતદેહોની સામૂહિક દફનવિધિ કરી દેવાઈ છે. મૃતકોમાં સમરસેટના બ્રિટિશ કોન્ટ્રાક્ટર ફિલીપ મેવરનો પણ સમાવેશ થાય છે.
• ચાડના પ્રમુખ ડેબીની ચૂંટણીમાં વિજય મેળવવાની ઈચ્છાઃ
તાજેતરમાં યોજાયેલી ચાડના પ્રમુખપદની ચૂંટણીમાં ૩૦ વર્ષથી સત્તા પર રહેલા ૬૮ વર્ષીય વર્તમાન પ્રમુખ ઈદરીસ ડેબીએ સૌ પ્રથમ મતદાન કર્યું હતું. મતદાન સવારે સાત વાગે શરૂ થયું હતું. આ પદ માટે પ્રમુખ ડેબી સહિત સાત ઉમેદવારો મેદાનમાં છે અને ૭.૪ મિલિયન મતદારોને મતાધિકાર હતો. તેમને સ્પર્ધા આપે તેવો કોઈ મુખ્ય હરિફ નથી. ડેબી ભૂતપૂર્વ બળવાખોર અને કારકિર્દીમાં સૈનિક છે તેમણે ૧૯૯૦ માં બળવો કરીને સત્તા હાંસલ કરી હતી. ૨૦૧૮ માં ચૂંટણી જીત્યા પછી તેઓ ૨૦૩૩ સુધી સત્તા પર રહી શકે તે માટે બંધારણમાં ફેરફાર કર્યો હતો. સાહેલમાં પશ્ચિમના જેહાદી વિરોધી અભિયાનમાં ચાડ મહત્વનું સાથી રહ્યું છે અને ડેબીએ સુરક્ષાનું વચન આપીને પ્રચાર કર્યો હતો.
• બુર્કિના ફાસોના પૂર્વ પ્રમુખ પર હત્યા કેસમાં ટ્રાયલ ચાલશેઃ
આઈવરી કોસ્ટમાંથી તડીપાર કરાયેલા બુર્કિના ફાસોના પૂર્વ પ્રમુખ બ્લેસ કોમ્પાઓર પર તેમના પૂરોગામી થોમસ સંકારા પર હત્યા કેસમાં ટ્રાયલ ચાલશે. આ કેસમાં કુલ ૧૪ લોકો કોર્ટ સમક્ષ હાજર રહેશે. ક્રાંતિના પ્રણેતા સંકારાની હત્યાના ૩૪ વર્ષ પછી બ્લેસ કોમ્પાઓર સહિત મુખ્ય પ્રતિવાદીઓ સામે આરોપો ઘડાયા પછી તાજેતરમાં આ કેસ ઔગાડૌગુની મિલિટરી કોર્ટને સોંપાયો હતો. સૈનિકોના એક જૂથે ૩૮ વર્ષીય સંકારાની હત્યા કરી હતી. તે ક્રાંતિકારી નેતા હતા. ૧૯૮૩ થી ૧૯૮૭ સુધી તેમણે અપર વોલ્ટાનુ નેતૃત્વ સંભાળ્યું હતું, જે ૧૯૮૪ માં બુર્કિના ફાસો બન્યું હતું.
• કબાકા મુતેબીના સ્વાસ્થ્ય અંગે યુગાન્ડાવાસીઓ ચિંતિતઃ
છેલ્લાં કેટલાંક મહિનાથી કબાકા રોનાલ્ડ મ્વેન્ડા મુતેબીની કથળતી તબિયત વિશેની અટકળો સૌશિયલ મીડિયા પર ચાલી રહી છે. બુગાન્ડાના રાજાની કેન્યાની એક પછી એક મુલાકાતને લીધે ચિંતા વધી ગઈ હતી. તાજેતરમાં બુગાન્ડાના પ્રિમિયર ચાર્લ્સ પીટર માયીગાને તેઓ યોગ્ય સમયે કબાકા રોનાલ્ડ મ્વેન્ડા મુતેબીની મુલાકાત લેશે તેવી બુગાન્ડાના લોકોને ખાતરી આપવાની ફરજ પડાઈ હતી. પોતાની ૬૬ મી વર્ષગાંઠની ઉજવણીમાં જાહેરમાં આવેલા કબાકા અશક્ત અને બીમાર જણાતા તેમની તબિયત વિશે લોકોની પૃચ્છા વધી ગઈ હતી.