ન્યૂયોર્ક/એડિસ અબાબાઃ સંયુક્ત રાષ્ટ્રે ટાઈગ્રે પ્રાંતને ૪૦ મિલિયન ડોલર સહિત ઈથિયોપિયાને ૬૫ મિલિયન ડોલરની સહાય માનવીય કલ્યાણ માટે કરી હોવાની જાહેરાત કરી હતી. ટાઈગ્રે પ્રાંતમાં ગયા નવેમ્બરમાં શરૂ થયેલું લશ્કરી ઓપરેશન યુદ્ધમાં પરિણમ્યું હતું અને ત્યાં વ્યાપકપણે અત્યાચાર થયો હોવાના અહેવાલ છે. તે પ્રદેશમાં હજારો લોકો માર્યા ગયા હતા.
યુએન હ્યુમેનિટેરિયન ઓફિસ દ્વારા જણાવાયું હતું કે બાકીના 25 મિલિયન ડોલરસોમાલી અને ઓરોમિયા પ્રાંતમાં અછતના સામના સહિત ઈથિયોપિયામાં ચાલતી અન્ય સહાય કામગીરી માટે અપાયા છે. આ ફંડનો ઉપયોગ તીવ્ર કુપોષણનો ભોગ બનેલા બાળકોની સારવાર માટે, વોટર સિસ્ટમ ફરી કાર્યરત કરવા અને અછતગ્રસ્ત કોમ્યુનિટીઝને પાણી પહોંચાડવા માટે કરાશે.
યુએન હ્યુમેનિટેરિયન ચીફ માર્ક લોકોકે જણાવ્યું કે અછતને કારણે ઈથિયોપિયાના લોકોનું જીવન કપરું બન્યું છે અને આજીવિકા બંધ થઈ ગઈ છે. વધુમાં, બાળકો કુપોષણનો ભોગ બન્યા છે. ટાઈગ્રેમાં છ મહિનાથી ચાલતા સંઘર્ષનો ભોગ લોકો બની રહ્યા છે.
મહિલાઓ અને છોકરીઓને ભયાનક જાતીય હિંસાનો ભોગ બનાવાય છે. ખાસ કરીને સંપૂર્ણપણે સંપર્કવિહોણા થઈ ગયેલા કેટલાંક ગ્રામીણ વિસ્તારોમાં મિલિયન્સ લોકો આવશ્યક સેવાઓ અને અન્ન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આપણે માનવતાવાદી કાર્યો કરવાની જરૂર છે.
OCHA તરીકે ઓળખાતી હ્યુમેનિટેરિયન ઓફિસે જણાવ્યું કે ટાઈગ્રે માટે અપાયેલા ૪૦ મિલિયન ડોલરનો ઉપયોગ ઈમરજન્સી શેલ્ટર, સ્વચ્છ પાણી, હેલ્થકેર, જાતીય અને લિંગ આધારિત હિંસાને ઘટાડવાના પ્રયાસો અને ઈમરજન્સી ટેલિકોમ્યુનિકેશન્સ માટે થશે. તેમણે ઉમેર્યું કે ટાઈગ્રેમાં રહેતા લોકોને મદદ પહોંચાડવાનું પડકારજનક છે અને અધિકારીઓ સાઉથઈસ્ટના અંતરિયાળ વિસ્તારોમાં પહોંચી રહ્યા છે.