કમ્પાલાઃ યુગાન્ડાની સંસદ દ્વારા કરાયેલી ભલામણના બે વર્ષ પછી પણ ગેરકાયદેસર રીતે સાત કોમર્શિયલ બેંક બંધ કરાવનારા બેંક ઓફ યુગાન્ડા (BoU)ના અધિકારીઓ વિરુદ્ધ કોઈ શિક્ષાત્મક પગલાં લેવાયા નથી. માર્ચ ૨૦૧૯ માં કમિશન, સ્ટેચ્યુટરી ઓથોરિટીઝ અને સ્ટેટ એન્ટરપ્રાઈસીસ (Cosase) પરની સંસદીય સમિતિએ ભલામણ કરી હતી કે BoUના વરિષ્ઠ અધિકારીઓને વ્યક્તિગત રીતે જવાબદાર ઠેરવવા જોઈએ.
બંધ કરાયેલી બેંકોમાં ક્રેન બેંક લિમિટેડ, કોઓપરેટિવ બેંક, ટીફે બેંક, ગ્રીનલેન્ડ બેંક, યુગાન્ડા બેંક ઓફ કોમર્સ, ઈન્ટરનેશનલ ક્રેડિટ બેંક લિમિટેડ, અને ગ્લોબલ ટ્રસ્ટ બેંકનો સમાવેશ થાય છે. બેંકોનો ગેરકાયદે વિલય, બેંક ઓફ યુગાન્ડામાં ચાલતા ગેરવહીવટને ખૂલ્લો પાડતો હોવાને સમર્થન આપીને Cosaseએ હાલની ભૂલો બદલ BoUના વરિષ્ઠ અધિકારીઓ વિરુદ્ધ સંખ્યાબંધ ભલામણો કરતાં મહત્ત્વના સુધારા સૂચવ્યા હતા. Cosase એ તેના અહેવાલમાં શેરહોલ્ડરોને થયેલા નુક્સાનનું વળતર આપવા ભલામણ કરી હતી. જોકે,બે વર્ષ વીતી જવા છતાં BoUના અધિકારીઓ વિરુદ્ધ કોઈ પગલાં લેવાયા નથી.
ઈન્સ્પેક્ટોરેટ ઓફ ગવર્નમેન્ટ (IG)ના પ્રવક્તા મુનીરા અલીએ જણાવ્યું હતું કે કોમર્શિયલ બેંકો બંધ થઈ તેના વિશે સંસદની ભલામણોના સંદર્ભમાં એજન્સી કોઈ કેસમાં તપાસ કરી રહી નથી કારણ કે તેમને સંસદ તરફથી કોઈ સૂચના મળી નથી.
જોકે, પોલીસના ડિરેકટોરેટ ઓફ ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન્સ (CID)ના પ્રવક્તા ચાર્લ્સ ટ્વીને જણાવ્યું કે તેઓ BoUના કેટલાંક અધિકારીઓની તપાસ કરી રહ્યા છે. પરંતુ, તેમણે તે અધિકારીઓ વિશે કશું જણાવવાનો ઈન્કાર કર્યો હતો.
સંસદમાં અહેવાલ પર ચર્ચામાં વડા પ્રધાન ડો. રુહાકાના રુગુન્ડાએ જણાવ્યું હતું કે કોમર્શિયલ બેકો બંધ કરાઈ તે મામલામાં સરકાર ગંભીર પગલાં લેશે.