બાંગુઈઃ ગયા ડિસેમ્બરમાં પ્રમુખપદની ચૂંટણી વખતે ફાટી નીકળેલી હિંસાની ખૂબ અસર પામેલા ગ્રીમરી શહેરના ૨,૫૦૦ પરિવારો માટે તાજેતરમાં ઈન્ટરનેશનલ રેડ ક્રોસ સોસાયટી તરફથી અનાજનો જથ્થો પહોંચ્યો હતો. ગયા જાન્યુઆરીમાં અત્રેથી ૨૩૦ કિ.મીના અંતરે આવેલા ગ્રીમરી પર કબજો મેળવવા માટે બળવાખોરો અને સશસ્ત્ર દળો વચ્ચે લડાઈ થતાં હજારો રહીશોને જંગલો તરફ નાસી જવાની ફરજ પડી હતી, જ્યારે અન્ય લોકો બીજા શહેરોમાં જતા રહ્યા હતા.
આ પ્રદેશમાં કેટલાંક લોકોના ઘરો લૂંટાઈ ગયા છે. સુરક્ષાના અભાવને લીધે ખેડૂતોને ખેતરોમાં કામ કરવાનું શક્ય નથી. તેમની સ્થિતિ બગડી રહી છે. ઈન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડક્રોસના જણાવ્યા મુજબ ગ્રીમરી અને ન્ગોઉલિંગામાં ૧૨,૫૦૦ લોકોને તાકીદે અનાજની જરુર છે. તેમને ચોખા, કાઉપીઆ, તેલ અને મીઠું મળ્યું છે જે તેમની એક મહિનાની જરુરિયાતને પૂરું પડશે તેવી અપેક્ષા છે.
ગ્રીમરીની રહીશ અને ૪૨ વર્ષીય ગૃહિણી રોસીન ડાંગાએ જણાવ્યું કે ICRCએ આપેલા આ ડોનેશનથી હું ખૂબ જ ખુશ છું. લડાઈમાં અમે નાસી છૂટ્યા હતા.અમે બહુ મુશ્કેલી વેઠી, સંઘર્ષ કર્યો. પરંતુ, આ સહાયને લીધે અમને ઘણી મદદ થઈ છે. ૫૬ વર્ષીય અન્ય ગૃહિણી હેનરીયેટ યાસ્સીએ જણાવ્યું કે ICRCએ કરેલી મદદથી અમને થોડી રાહત થશે. કોર્ટે પૂર્વ પ્રમુખ ફ્રેન્કોઈસ બોઝીની ઉમેદવારીને રદ કરી દેતા હિંસા ફાટી નીકળી હતી. આ ચૂંટણીમાં ફોસ્ટિન અર્ચાન્જે વિજયી થયા હતા પરંતુ, તેમને બોઝી સાથે સંકળાયેલા સશસ્ત્ર બળવાખોરો તરફથી જોખમ વધી રહ્યું છે.