બાંગુઈ, જીનિવાઃ સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક (CAR)માં ગયા ડિસેમ્બરથી હિંસાથી બચવા નાસી છૂટેલા લોકોની સંખ્યા એક જ અઠવાડિયામાં બમણી થઈને ૬૦,૦૦૦ લોકો સુધી પહોંચી છે. ઓફિસ ઓફ હાઈ કમિશનર ફોર રેફ્યૂજી (UNHCR) દ્વારા આ માહિતી અપાઈ હતી. સંસ્થાએ સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકમાં તાકીદે તમામ પ્રકારની હિંસા અટકાવી દેવા અને અર્થપૂર્ણ વાટાઘાટો માટે તમામ પક્ષોને પાછા ફરવા અને શાંતિ સ્થાપવા ભણી પ્રગતિ માટે અનુરોધ કર્યો હતો.
જીનિવામાં ૧૫ જાન્યુઆરીએ પત્રકાર પરિષદમાં એજન્સીએ જણાવ્યું હતું કે માત્ર ૧૩ જાન્યુઆરીએ જ ડેમોક્રેટિક રિપબ્લિક કોંગોમાં આશ્રય મેળવવા માટે ૧૦,૦૦૦થી વધુ લોકોએ ઉબાંગી નદી પાર કરી હતી. એક મહિનામાં સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકમાંથી ૯,૦૦૦ લોકોએ કોંગો, ચાડ અને કેમરુનમાં આશ્રય મેળવવા પ્રયાસ કર્યો હતો.
કમિશન ઓન પોપ્યુલેશન મૂવમેન્ટના જણાવ્યા મુજબ CARમાં જ અંદાજે ૫૮,૦૦૦ લોકો વિસ્થાપિત થયા છે.
ડોક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ તરીકે જાણીતા માનવતાવાદી જૂથે જણાવ્યું હતું કે બાંગુઈ ખાતેની તેની ટીમે હિંસાને લીધે ઘાયલ થયેલા ૧૨લોકોની ૧૩ જાન્યુઆરીએ સારવાર કરી હતી. ગ્રૂપે જણાવ્યું કે હિંસાનો સીધો ભોગ બનેલા લોકો ઉપરાંત CARને જ વધતી જતી અસુરક્ષાને લીધે આવશ્યક તબીબી સેવા મળતી નથી.
ચૂંટણી પ્રક્રિયાને લગતી હિંસામાં કોલીશન આર્મ્ડ ફોર્સીસ અને સરકારી દળો વચ્ચે અથડામણો વધી રહી હોવાથી CARમાં પરિસ્થિતિ ઝડપથી વણસી રહી છે.
પ્રમુખપદની અને ધારાસભાની ચૂંટણીના આઠ દિવસ પહેલા ૧૯ ડિસેમ્બરે છ સશ્સ્ત્ર ગ્રૂપના જૂથ કોલિશન ઓફ પેટ્રિયટ્સ ફોર ચેન્જ (CPC) એ ફોસ્ટિન અર્ચાન્જે ટુઆડેરાની ફેરચૂંટણીને અટકાવવા હુમલાની જાહેરાત કરી હતી.