કમ્પાલાઃ યુગાન્ડાના ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ કટુમ્બા વામલાને લઈ જતા વાહન પર હુમલાખોરોએ કરેલા ગોળીબારમાં તેમનો બચાવ થયો હતો. જોકે,તેમની પુત્રી અને ડ્રાઈવરનું મૃત્યુ થયું હતું. કમ્પાલાના પરાંવિસ્તાર કિસાસીમાં મંગળવારે સવારે હુમલાનો આ બનાવ બન્યો હતો.
વામલાને બન્ને ખભામાં ઈજા થઈ હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. સરકારી માલિકીના બ્રોડકાસ્ટર UBCએ ટ્વીટ કરેલા વીડિયોમાં વામલાએ હોસ્પિટલનાં બેડ પરથી જણાવ્યું હતું કે તે બચી ગયા. ભગવાને તેમને બીજી તક આપી.તેઓ ૨૦૦૫થી ૨૦૧૩ સુધી યુગાન્ડાના ભૂમિદળના કમાન્ડર હતા અને ૨૦૦૭માં દેશના સેનિકોને સોમાલિયામાં મૂકવાની કામગીરી તેમની દેખરેખ હેઠળ થઈ હતી. તે પછી ૨૦૧૩માં તેમને ચીફ ઓફ ડિફેન્સ ફોર્સીસ CDF તરીકે બઢતી અપાઈ હતી. હાલ તેઓ યુગાન્ડાના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર છે.
આર્મીએ નિવેદનમાં જણાવ્યું કે મોટરસાઈકલ પર સવાર બે બંદૂકધારીઓએ કટુમ્બા પર હુમલો કર્યો હતો. યુગાન્ડામાં છેલ્લાં થોડાં વર્ષમાં સિનિયર સિક્યુરિટી ઓફિસર્સ, ધારાસભ્ય, પ્રોસિક્યુટર અને મુસ્લીમ ધર્મગુરુઓને લક્ષ્ય બનાવીને કરાયેલી હત્યાઓનો ભેદ હજુ ઉકલ્યો નથી.
આ હુમલાને પગલે પ્રમુખ યોવેરી મુસેવેનીએ પાટનગર અને દેશના મુખ્ય શહેરોમાં સર્વેલન્સ કેમેરા લગાવવાનો આદેશ આપ્યો હતો.