કમ્પાલાઃ પ્રમુખપદની ચૂંટણીના ત્રણ મહિના પછી યુગાન્ડા સરકારે ચૂંટણી પહેલા ૧૦૦૦થી વધુ લોકોને અટકમાં લીધા હોવાની કબૂલાત કરી હતી. વિપક્ષ નેશનલ યુનિટી પ્લેટફોર્મ (NUP)ના દબાણને પગલે સરકારે આ કબૂલાત કરી હતી. સુરક્ષા દળોએ તેના ૪૦૦થી વધુ સમર્થકો અને સભ્યોની અટકાયત કરી હતી.
માર્ચમાં કમ્પાલામાં એક ગામમાથી ૧૮ યુવકોને ઉઠાવી જવાયા હતા અને પાછળથી કોઈપણ આરોપ લગાવ્યા વિના રાત્રિના અંધારામાં ફેંકી દેવાયા હતા. તેવી જ રીતે અન્ય ઘણાં લોકોને છોડી મૂકાયા હતા. અન્ય લોકોએ તેઓ અટકમાં હતા ત્યારે તેમના પર અત્યાચાર થયાનું જણાવ્યું હતું.
તાજેતરમાં યુએન નિરીક્ષકોએ રાજકીય હરીફોને લક્ષ્ય બનાવવાનું છોડી દેવા યુગાન્ડાના સત્તાવાળાઓને જણાવ્યું હતું.
બોબી વાઈન પ્રમુખ યોવેરી મુસેવેનીનો મુખ્ય હરીફ હતા. પ્રમુખપદની ચૂંટણી વખતે તેમના ઘણાં ટેકેદારોની અટકાયત સામે ગયા માર્ચમાં તેઓ વિરોધ કરતા હતા ત્યારે તેમની ધરપકડ કરાઈ હતી. તેમને પાછળથી કોઈપણ આરોપ લગાવ્યા વિના છોડી દેવાયા હતા.