૧૯૯૪ના નરસંહારમાં ફ્રાન્સની ભૂમિકા હોવાનું પ્રમુખ મેક્રોને સ્વીકાર્યું

Wednesday 02nd June 2021 06:51 EDT
 
 

કિગલીઃ રવાન્ડાની મુલાકાતે ગયેલા ફ્રાન્સના પ્રમુખ ઈમાનુએલ મેક્રોને ૧૯૯૪ના તુત્સી નરસંહારમાં ફ્રાન્સની ભૂમિકા હોવાનું માન્યું હતું. ફ્રાન્સ સામૂહિક હત્યાકાંડમાં સંડોવાયેલું ન હતું તેમ કહેવા છતાં ફ્રાન્સે હત્યાકાંડ અંગેની ચેતવણીને નજરઅંદાજ કરી હોવાનું તેમણે સ્વીકાર્યું હતું. પ્રમુખ મેક્રોન અને રવાન્ડાના પ્રમુખ કગામેએ બન્ને દેશ વચ્ચેના સંબંધમાં નવા પૃષ્ઠની શરૂઆતનો સંકેત આપ્યો હતો.

કિગલી જેનોસાઈડ મેમોરિયલ ખાતે પ્રમુખ મેક્રોને જણાવ્યું કે જે હત્યારાઓએ દહેશત ફેલાવી હતી તેમાં ફ્રાન્સનું કોઈ ન હતું. ફ્રાન્સ તેમાં સામેલ ન હતું. ત્યાં જે લોહી વહ્યું તે ફ્રાન્સના શસ્ત્રો કે સૈનિકોએ વહેવડાવ્યું ન હતું. ફ્રાન્સ પ્રાદેશિક સંઘર્ષ અથવા વર્ગ વિગ્રહ અટકાવવા ઈચ્છતું હતું. ઘણાં નિરીક્ષકોની ચેતવણીને ફ્રાન્સે નજરઅંદાજ કરી હતી. તે આ ઘટના ટાળવા માગતું હતું.

પ્રમુખ મેક્રોને ભારપૂર્વક જણાવ્યું,' રવાન્ડામાં ફ્રાન્સની ભૂમિકા, ઈતિહાસ અને રાજકીય જવાબદારી રહી છે.'

રવાન્ડાના પ્રમુખ પોલ કગામેએ જણાવ્યું કે પ્રમુખ મેક્રોનનું ખાસ અર્થ સાથેનું ભાષણ પ્રભાવક હતું. તેમના શબ્દો માફી કરતાં પણ વધુ મૂલ્યવાન હતા. તે હકીકત હતી. તેમનું આ કૃત્ય ખૂબ હિંમતભર્યું હતું. કગામેએ ઉમેર્યું કે તેમની આ મુલાકાત ભૂતકાળ માટે નહીં, ભવિષ્ય માટે હતી. તેમણે અને મેક્રોને ઈન્વેસ્ટમેન્ટ અને બિઝનેસીસ માટે સહાય સહિત સંખ્યાબંધ મુદ્દાઓ પર ચર્ચા કરી હોવાનું કગામેએ ઉમેર્યું હતું. મેક્રોને જણાવ્યું કે તેઓ સંબંધોમાં નવું પૃષ્ઠ ઉમેરી રહ્યા છે.

પરંતુ, રવાન્ડાના તમામ લોકોનો મત તેમના જેવો ન હતો. નરસંહારમાં પોતાનો પરિવાર ગુમાવનારા જીન દ લા ક્રોઈક્સ ઈબામ્બાસીએ જણાવ્યું તે તેમને બરાબર યાદ છે કે ફ્રેંચ લોકો ચેક પોઈન્ટ પર ગયા અને ex-FAR સાથે મળીને કામગીરી કરી. તેમણે તુત્સી અને હુતુસને અલગ પાડવામાં તેમની મદદ કરી હતી. અમે આ બધું સહેલાઈથી ભૂલી શકીએ નહીં. આપણે પ્રામાણિક થવું જોઈએ. તેમણે તેમાં ભાગ લીધો હતો અને મદદ કરી હતી. તેમણે ઉમેર્યું કે ફ્રાન્સે માફી માગવી જોઈતી હતી.

જોકે, ફ્રાન્સના પ્રમુખ આવ્યા તેનાથી તેઓ ખુશ છે અને તેમને આશા છે કે બન્ને દેશ વચ્ચેના સંબંધ સુધરશે. તેમણે ફ્રાન્સની ભૂમિકા હોવાનું માન્યું. તે સારું છે. પહેલા જેવું ન હતું.

નરસંહારમાં બચી ગયેલા લોકોના મુખ્ય એસોસિએશન ઈબુકાના પ્રમુખ એજીદે ન્કુરાંગાએ ફ્રાન્સ રાષ્ટ્ર વતી સ્પષ્ટ માફી ન માગવામાં આવી તે બાબતે નારાજગી વ્યક્ત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter