નાઈરોબીઃ ૨૦૨૦માં ડોલર મિલિયોનેર્સના લિસ્ટમાંથી ૯૧૨ કેન્યન બહાર થયા હતા જે કોરોના વાઈરસ મહામારીને લીધે ઉદભવેલી કપરી આર્થિક પરિસ્થિતિ દર્શાવતી હોવાનું નવા ડેટામાં જણાવાયું હતું. ૨૦૨૧ના વેલ્થ રિપોર્ટ માટે નાઈટ ફ્રાન્કના ડેટામાં જણાયું હતું કે દેશની વસ્તીના હાઈ નેટ વર્થ ઈન્ડિવ્ડ્યુઅલ્સ (HNWI)ની સંખ્યા ૨૦૧૯ માં ૪૨૩૫ હતી જે ૨૦૨૦ માં ઘટીને ૩૩૨૩ થઈ હતી જે ૨૨ ટકાનો ઘટાડો દર્શાવે છે.
સર્વે પ્રમાણે જેમની સંપતિ Sh૧૦૮ મિલિયનથી વધારે હોય તે હાઈ નેટ વર્થ ઈન્ડિવ્ડ્યુઅલ્સ (HNWI) ગણાય છે.
જોકે, નાઈટ ફ્રાન્ક વેલ્થ રિપોર્ટના એડિટર એન્ડ્ર્યુ શર્લીએ જણાવ્યું કે આગામી પાંચ વર્ષમાં HNWIની સંખ્યા ૪૬ ટકા વધીને ૪૮૪૦ થઈ જશે.
શર્લીએ ઉમેર્યું કે ૨૦૨૦ ની યાદીના ૧૯ ટકા જેટલાં HNWIએ જણાવ્યું કે તેઓ નવી સિટીઝનશિપ હેઠળ બીજા પાસપોર્ટ માટે અરજી કરવાનું વિચારે છે. તેની સરખામણીમાં ચીનના ૩૯ ટકા ધનવાનો અને નાઈજિરિયાના ૬૨ ટકા HNWI તેના માટે વિચારે છે. જ્યારે સુપર – વેલ્ધી ગણાતા લોકોના અલ્ટ્રા હાઈ નેટ વર્થ ઈન્ડિવિડ્યુઅલ્સ (UHNWIs) ના ગ્રૂપમાંથી ૧૬ કેન્યન બહાર થયા હતા. જોકે, આ સંખ્યામાં આગામી પાંચ વર્ષમાં એક ટકાનો વધારો થશે.
નાઈટ ફ્રાન્ક વેલ્થ રિપોર્ટમાં એમ પણ જણાયું હતું કે કેન્યાના ૧૭ ટકા UHNWIs ૨૦૨૧માં નવું મકાન ખરીદવા વિચારે છે. કેન્યા તેમનું સૌથી લોકપ્રિય સ્થળ છે તે પછી યુકે, અમેરિકા, સાઉથ આફ્રિકા અને કેનેડા આવે છે.
ધનવાન કેન્યનો તેમનું મૂડી રોકાણ રિટાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ લેન્ડ, રેસિડેન્સીયલ પ્રાઈવેટ રેન્ટેડ સેક્ટર, એગ્રીકલ્ચર, હેલ્થકેર અને રિટેઈલ સેક્ટરમાં કરતા હોવાનું અભ્યાસમાં જણાયું હતું.