અબુજાઃ નાઈજિરિયાના ૬૬ વર્ષીય ઓકોન્જો લ્વીએલા તાજેતરમાં જ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ તરીકે નીમાયાં હતાં. અગાઉ આ હોદ્દો એક પણ આફ્રિકન વ્યક્તિ કે મહિલાએ સંભાળ્યો નથી. તેઓ હાલ કટોકટીના સમયમાં ૨૨૦ મિલિયન ડોલરના બજેટ અને ૬૫૦ના સ્ટાફ સાથે આ સંસ્થાનો કારોબાર સંભાળશે. ૪૦ વર્ષની ઝળહળતી કારકિર્દીમાં તેમણે જે હોદ્દા સંભાળ્યાં છે તેમાં આ હોદ્દો સૌથી પ્રભાવશાળી છે. અગાઉ જે અનુભવ મેળવ્યો છે તેનો હવે તેમણે ઉપયોગ કરવાનો રહેશે.
નિષ્ણાતોનું માનવું છે કે વૈશ્વિક વ્યાપાર પ્રણાલિ કરો યા મરોની સ્થિતિનો સામનો કરી રહી છે. આ સંજોગોમાં તેઓ પરિસ્થિતિ થાળે પાડી શકશે ખરા તે પ્રશ્ર છે. નાઈજિરિયા ૧૯૬૦માં બ્રિટનથી આઝાદ થયું ત્યારે તેઓ છ વર્ષનાં હતાં. તેઓ દક્ષિણી ડેલ્ટા સ્ટેટના નાના ગામમાં ઉછર્યાં હતાં. તેમના પેરન્ટ્સ હોંશિયાર હતા અને સ્કોલરશિપ પર યુરોપમાં ભણતા હતા. તેથી તેમને અને તેમના છ ભાઈ-બહેનોને દાદીમાએ ઉછેર્યા હતા. તેઓ હાર્વર્ડ અને મેસેચ્યુએટ્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી (MIT) માં ઈકોનોમિક્સના અભ્યાસ માટે અમેરિકા ગયાં હતાં. તેઓ તેમના બાળપણના પ્રેમીને પરણ્યા હતા અને ૨૫ની વયે તેમણે વર્લ્ડ બેંકમાં કારકિર્દી શરૂ કરી હતી. તેઓ ૨૦૦૩માં નાઈજિરિયાના ફાઈનાન્સ મિનિસ્ટર બન્યાં હતાં. તેમણે પશ્ચિમી સત્તાઓને રાહત આપવા માટે સમજાવીને નાઈજિરિયાને જંગી દેવામાંથી બહાર કાઢ્યું હતું.
તેમણે ૨૦૦૫માં ગાર્ડિયનને ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેઓ લડવૈયા છે અને પોતાના કામ પર જ ધ્યાન આપે છે અને પોતાનું લક્ષ્ય હાંસલ કરવા સતત પરિશ્રમ કરે છે. તેમના માર્ગમાં આડે આવનારને તેઓ દૂર કરી જ દે છે.