ઝિમ્બાબ્વેની કોર્ટે ગેરકાયદે સભા-મેળાવડામાં હાજરી આપવા બદલ વિપક્ષી નેતા જેમસન ટિમ્બા અને 34 કાર્યકરોને દોષી જાહેર કર્યા હતા. આ લોકોને પાંચ મહિનાથી વધુ સમય અગાઉ પ્રિ-ટ્રાયલ અટકાયતમાં લેવાયા હતા. વિપક્ષ સિટીઝન્સ કોએલિશન ફોર ચેન્જમાંથી છૂટા પડેલા જેમસન ટિમ્બા અને 34 કાર્યકરોને પાંચ વર્ષ સુધી જેલની સજા અથવા દંડ થઈ શકે છે. પોલીસે 16 જૂને રાજધાની હરારેમાં ટિમ્બાના નિવાસસ્થાનેથી કાર્યકરોની ધરપકડ કરી હતી અને હિંસા, શાંતિભંગને ઉત્તેજન આપવાના હેતુસર ગેરકાયદે એકત્ર થવાનો આરોપ લગાવ્યો હતો.
• ટાન્ઝાનિયાના વિપક્ષી નેતા એમ્બોવે જામીન પર મુક્ત
ટાન્ઝાનિયાના મુખ્ય વિપક્ષ ચાડેમાના નેતા ફ્રીમેન એમ્બોવેની શુક્રવારે ધરપકડ કરાયા પછી જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક ચૂંટણીઓ 27 નવેમ્બરે યોજાનાર હતી. એમ્બોવેની ધરપકડ ચૂંટણીઓ અગાઉ સભા સાથે સંકળાયેલી હોવાનું કહેવાય છે. જોકે, જામીન પર મુક્ત થયા પછી તેમણે કેમ્પેઈન શેડ્યુલના ભંગના આક્ષેપોને તથ્યવિહોણા ગણાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે તેમની ધરપકડ ચાડેમાના ચૂંટણીપ્રચારોમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ છે.