વોશિંગ્ટનઃ અમેરિકાના વ્હાઇટ હાઉસમાં નવા પ્રમુખ જો બાઇડેનના શપથ ગ્રહણની તૈયારીઓ વચ્ચે જાહેર થયું હતું કે, ટીમ બાઇડેનમાં બે ગુજરાતી સહિત ૨૦ ભારતીયને કાઉન્સિલની વિશેષ જવાબદારી સોંપાઇ છે. એમાંથી માંડવી તાલુકાના દુર્ગાપુરનાં જૈન પરિવારનાં ૩૧ વર્ષીય રીમા શાહ ડેપ્યુટી એસોસિએટ્સ કાઉન્સેલના મહત્ત્વના હોદ્દા પર ફરજ નિભાવશે. રીમા શાહ કચ્છનાં દુર્ગાપુરના અને અમેરિકાના ન્યૂ જર્સીમાં મોલના વ્યવસાય સાથે સંકળાયેલા જૈન પરિવારમાંથી આવે છે. પ્રીતિબહેન ભરત ચનાની પુત્રીને આ ગૌરવવંતુ સ્થાન મળતાં વિશા ઓસવાળ મૂર્તિ પૂજક જૈન સમાજમાં આનંદની લાગણી પ્રસરી હતી.
ભુજના યુવાન પણ સેનેટર
થોડા સમય અગાઉ ઓહિયા સ્ટેટની ચૂંટણીમાં ભુજના નીરજ અંતાણી પણ સેનેટર તરીકે ચૂંટાઇ આવ્યા હતા. હવે દુર્ગાપુરનાં રીમા શાહને અમેરિકામાં રાજનીતિમાં મહત્ત્વની જવાબદારી સોંપાતાં અમેરિકામાં કચ્છનું નામ રોશન થયું છે.