વોશિંગ્ટન: કેલિફોર્નિયામાં શીખ પરિવારની હત્યાની શાહી સૂકાઇ નહોતી ત્યાં ઈન્ડિયાના સ્ટેટમાં ગુજરાતી વિદ્યાર્થીની હત્યાનો મામલો બહાર આવ્યો છે. હત્યાના આરોપસર પોલીસે તેના સાથી એવા કોરિયાઇ વિદ્યાર્થીને કસ્ટડીમાં લીધો છે. પોલીસે જાણકારી આપી કે, 20 વર્ષીય વરુણ મનિષ છેડાનો મૃતદેહ પરડયુ યુનિવર્સિટીના મેકકચેન હોલમાંથી મળી આવ્યો હતો.
યુનિવર્સિટી પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના મામલે પોલીસને ચોથી ઓક્ટોબરે મોડી રાત્રે જાણકારી મળી હતી. પોલીસને ઘટના વિષે જાણકારી આપવા માટે પરડયુ યુનિવર્સિટીમાં ડેટા સિક્યુરીટીનો અભ્યાસ કરતાં કોરિયાઇ વિદ્યાર્થી જી મિન શાએ 911 પર ફોન કર્યો હતો. પોલીસે આ મામલામાં તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પરડયુ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, આ ઘટના મેકકચેન હોલના પહેલા માળે બની હતી. વરુણ પરડયુ યુનિવર્સિટીમાં ડેટા સિક્યુરીટીનો અભ્યાસ કરતો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર વરુણનું મૃત્યુ તેના શરીર પર કરાયેલા અસંખ્ય ચાકુના ઘાને કારણે થયું હતું. પોલીસે વધુમાં જણાવ્યું કે, વરુણે આરોપીને ઉશ્કેર્યો નહતો છતાં તેની ઘાતકી હત્યા કરાઇ હતી.
વરુણ ઓનલાઇન ગેમ રમતો હતો અને...
વરુણના બાળપણના મિત્રે જણાવ્યું કે, વરુણ મિત્રો સાથે ઓનલાઇન ગેમ રમી રહ્યો હતો અને સાથોસાથ ફોન પર વાત કરી રહ્યો હતો, ત્યારે અચાનક તેની બૂમો તેમને સંભળાઇ હતી. પરડયુ યુનિવર્સિટીના ચેરમેને જણાવ્યું કે, અમે આવી ઘટનાની કયારેય કલ્પના પણ કરી નહતી. વરુણના મૃત્યુથી અમને ખૂબ જ દુઃખ પહોચ્યું છે.