ઓહિયો સ્ટેટ સેનેટમાં પહેલી વાર ગુજરાતી મૂળના અમેરિકન નીરજ અંતાણી ચૂંટાયા

Wednesday 11th November 2020 05:41 EST
 
 

વોશિંગ્ટનઃ ઓહિયો સ્ટેટ સેનેટમાં પહેલા ભારતીય મૂળના અમેરિકન તરીકે ચૂંટાઇ આવીને ૨૯ વર્ષીય રિપબ્લિકન નીરજ અંતાણીએ ઇતિહાસ રચ્યો છે. હાલમાં સ્ટેટ પ્રતિનિધિ એવા નીરજ અંતાણી મંગળવારે ડેમોક્રેટિક પાર્ટીના માર્ક ફોગેલને પરાજિત કરી ઓહિયો સ્ટેટ સેનેટના ૬ઠ્ઠા ડિસ્ટ્રિક્ટના સેનેટર તરીકે ચૂંટાઇ આવ્યા હતા. આ જિલ્લામાં મોન્ટગોમરી કાઉન્ટીના મોટાભાગના હિસ્સાનો સમાવેશ થાય છે. શપથ ગ્રહણ કર્યા પછી નીરજ અંતાણી ઓહિયોની સેનેટમાં પહેલા ભારતીય મૂળના સેનેટર બન્યાનો ઇતિહાસ રચશે. નીરજ અંતાણી કચ્છના વતની છે.
ચૂંટણીનાં પરિણામ બાદ અંતાણીએ જણાવ્યું હતું કે, હું જે સમાજમાં જન્મ્યો અને ઉછર્યો તેના સમર્થન માટે ઘણો આભારી છું. મારા દાદા-દાદી તેમના મોટાભાગનું જીવન બ્રિટિશ શાસિત ભારતમાં જીવ્યાં હતાં. સાત દાયકા પહેલાં તેમને આઝાદી મળી હતી. તેમનો પૌત્ર અમેરિકાની સ્ટેટ સેનેટમાં સેનેટર તરીકે ચૂંટાઇ આવે તે અમેરિકાની સુંદરતા છે. મારા પર મૂકેલા વિશ્વાસ માટે હું મતદારોનો આભાર માનું છું. હું રાજ્યની સેનેટમાં તેમનો અવાજ બનીશ.
અમેરિકાની ચૂંટણીમાં સલામ બોમ્બે ફેઇમ મીરા નાયરના પુત્ર જોહરાન મમદાનીએ ઇતિહાસ રચ્યો છે. જોહરાન ન્યૂયોર્કના ૩૬મા એસેમ્બ્લી જિલ્લા એસ્ટોરિયાના પ્રતિનિધિ તરીકે બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે. મમદાનીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, મારા વિજયની સત્તાવાર ઘોષણા થઇ ચૂકી છે. હું અમીરો પર ટેક્સ લગાવવા, ગરીબોનાં કલ્યાણ અને સમાજવાદી ન્યૂયોર્કનાં નિર્માણ માટે અલ્બાની જઇ રહ્યો છું. આ કામ હું એકલો કરી શકતો નથી. આવો આપણે બધા આ આંદોલનમાં એકસાથે જોડાઇએ.

ભુજના નાગર યુવાન પોલિટિકલ સાયન્સના સ્નાતક

અમેરિકામાં ચૂંટણીમાં ઓહિયો સ્ટેટમાં ભુજના ૨૯ વર્ષીય નાગર યુવાન નીરજ અંતાણી રિપબ્લિકન પાર્ટીના સેનેટ તરીકે ચૂંટાઈ આવ્યા છે. નોંધનીય છે કે, તેઓ અગાઉ ઓહિયો સ્ટેટમાંથી જ સ્ટેટ રિપ્રેઝન્ટેટિવ બન્યા હતા. પોલિટિકલ સાયન્સના સ્નાતક એવા નીરજ અંતાણી ૨૦૧૪માં ઓહિયો હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં સ્ટેટ લો મેકર તરીકે સૌથી યુવા વયે ચૂંટાયા હતા.
તેઓનો પૈતૃક પરિવાર મૂળ ભુજનો છે અને નાગર ચકલામાં નાના વોકળા વિસ્તારમાં રહેતો હતો. ભુજમાં રહેતા પારિવારિક સભ્ય એવા પૂર્વ નગરપ્રમુખ અરુણભાઈ વચ્છરાજાનીએ જણાવ્યું હતું કે, નીરજ જૈમિનીભાઈ અંતાણી ઓહિયો સ્ટેટમાં પહેલા ભારતીય અમેરિકન સેનેટ સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે.
નીરજભાઈના કાકા સૌપ્રથમ અમેરિકા ગયા બાદ તમામ આઠ ભાઈ અમેરિકા સ્થાયી થયા હતા. તબીબ, ઈજનેર સહિતના વ્યવસાયોમાં તેઓ સંકળાયેલા રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter