ભુજઃ ભૂકંપ ઝોન-૫માં આવતા કચ્છ જિલ્લામાં ૪.૧ની તીવ્રતાનો આંચકો રવિવારે સવારે ૮:૧૮ વાગ્યે પૂર્વ કચ્છમાં અનુભવાયો હતો. આ ઉપરાંત અન્ય બે હળવા આંચકા પણ અનુભવાતાં લોકોમાં ચિંતા ફેલાઇ હતી. ચારેક માસ પહેલાં ભચાઉ પાસે ૫.૩ની તીવ્રતાનો આંચકો અનુભવાયા બાદ સમયાંતરે નાના-મોટા આંચકા આવતા જ રહે છે. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરી જણાવ્યા પ્રમાણે સવારે ૮:૧૮ વાગ્યે ભચાઉ પાસે ૪.૧ તીવ્રતા સાથે, સવારે ૯:૧૪ વાગ્યે ૨.૩ તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ઉપરાંત આગલા દિવસે શનિવારે પણ ભચાઉ પાસે કેન્દ્રબિંદુ ધરાવતા ૩.૧ની તીવ્રતા સહિતનાં ૪ આંચકા આવ્યા હતા. જેથી વાગડવાસીઓમાં ચિંતા ફેલાઇ હતી.