ભૂજ-ભચાઉ: કચ્છમાં ૨૬મી જાન્યુઆરીએ આવેલા ભયાવહ ભૂકંપની ૨૦મી વરસીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવામાં કચ્છમાં બે મહિનામાં ભૂકંપના ૭૦ જેટલાં આંચકા નોંધાયા છે અને પૂર્વ કચ્છની ભૂમિમાં ફરી સળવળાટ શરૂ થયો છે. સાતમી જાન્યુઆરીએ ૧.૮થી લઇને ૪ની તીવ્રતાના ભૂકંપના ૪ આંચકા નોંધાયા હતા. તાજેતરમાં ખાવડા નજીક બે ફોલ્ટ ભેગા થતાં ૪થી વધુની તીવ્રતા સાથે ધરા ધણધણી હતી અને તજજ્ઞોએ પણ કચ્છમાં ફરી મોટા ભૂકંપની શક્યતા દર્શાવી છે તેવામાં સાતમીએ પૂર્વ કચ્છમાં ચાર આંચકા અનુભવાયા હતા.
સાતમીએ સાંજે ૭.૨૨ કલાકે ભચાઉથી નવ કિ.મી. દૂર ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં ૪ની તીવ્રતા સાથે ભૂકંપનો આંચકો આવતાં ભચાઉ સહિત આસપાસના ચોબારી, સામખિયાળી સહિતના ગામોના લોકોએ ઠંડી વચ્ચે ઘરની બહાર દોટ મૂકી હતી. નવા વર્ષની શરૂઆતમાં ૪ની તીવ્રતાના આ આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉ તાલુકાના કરમરિયા ખાતે નોંધાયું હતું.
સાતમીએ રાત્રે ૧૨.૨૬ કલાકે ભચાઉ તાલુકાના દુધઇથી ૨૨ કિ.મી. દૂર ઉત્તર-ઉત્તર-પશ્ચિમ દિશામાં ૧.૮ની તીવ્રતાનું કંપન નોંધાયું હતું જેનું કેન્દ્રબિંદુ કચ્છના રણમાં કેન્દ્રિત થયું હતું.
ભૂકંપથી લોકોમાં ભય
આઠમીએ વહેલી સવારે ૫.૫૭ કલાકે રાપર તાલુકાના બેલાથી ૪૪ કિ.મી.ના અંતરે ઉત્તર-ઉત્તર-પશ્ચિમ દિશામાં ૩.૧ની તીવ્રતાના આંચકા સાથે ધરા ધ્રૂજી હતી જેનું કેન્દ્રબિંદુ ભારત-પાકિસ્તાનની સરહદે નગરપારકરમાં નોંધાયું હતું. આ ઉપરાંત બપોરે આઠમીએ ૧૨.૩૬ કલાકે રાપરથી ૨૨ કિ.મી.ના અંતરે પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ દિશામાં ૨.૨ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. બપોરે આવેલા આંચકાનું કેન્દ્રબિંદુ કંથકોટ ફોર્ટ, મોમાય માતાજીના મંદિર નજીક કેન્દ્રિત થયું હતું. અત્રે નોંધનીય છે કે, ૨૬ જાન્યુઆરી નજીક આવી રહી છે ત્યારે ભૂકંપના આંચકાની હારમાળાથી લોકોમાં ઉચાટ જોવા મળી રહ્યો છે.