કચ્છી માલધારીની પાકિસ્તાની જેલમાંથી ૧૨ વર્ષે વતન વાપસી

Monday 25th January 2021 04:27 EST
 
 

ભુજ, અમૃતસર: કચ્છના નાના દિનારા ગામનો ઢોર ચરાવતો માલધારી ઇસ્માઇલ સમા ભૂલથી વર્ષ ૨૦૦૮માં પાકિસ્તાન પહોંચી ગયો હતો. પાકિસ્તાને જાસૂસીના આરોપમાં આ માલધારીને કેદ કરીને જેલમાં ધકેલી દીધો હતો. આ માલઘારીની સજા પૂર્ણ થઇ ગયા છતાં તેને મુક્ત ન કરાતા ભારતીય વિદેશ મંત્રાલયે રજૂઆત કરી હતી. ૧૪મી જાન્યુઆરીએ ઇસ્લામાબાદ હાઈ કોર્ટના આદેશ બાદ આખરે ૨૨મી જાન્યુઆરીએ તેને મુક્ત કરવામાં આવ્યો હતો. આમ, બાર વર્ષે પાકિસ્તાની અધિકારીઓએ તેને ભારતીય અધિકારીઓના હવાલે કરતા કચ્છના નાના દિનારાનો માલધારી સ્વદેશ પરત ફર્યો હતો.

નાના દિનારા ગામનો ઇસ્માઇલ સમા ૨૮મી ઓગસ્ટ ૨૦૦૮ના રોજ ઢોર ચરાવતાં ઓચિંતા ગુમ થઇ ગયો હતો, પરિજનોને લાગ્યું હતું કે, ઇસ્માઇલ માર્ગ ભૂલી ગયો છે અને પાકિસ્તાન તરફ ચાલ્યો ગયો હશે અથવા તો પાકિસ્તાની રક્ષકોએ તેનું અપહરણ કરી લીધું હશે. એકાદ દાયકા સુધી તેના કોઇ સમાચાર મળ્યા નહોતા બાદમાં ૨૦૧૭માં ઇસ્માઇલ વિશે જાણકારી મળી હતી. પાકિસ્તાનની કરાચીની જેલમાંથી છૂટીને આવેલા કચ્છના જ રીફક જતે જણાવ્યું હતું કે, ઇસ્માલ પણ કરાચીની જેલમાં હતો. એ પછી પરિવારજનો અને ભારત સરકારે ઇસ્માઇલને પરત લાવવાના પગલાં શરૂ કર્યાં હતાં. દરમિયાન આખરે ઇસ્માઇલનો ફોન તેના મોટા પુત્ર અતાઉલ્લા પાસે હતો એ ફોન પર ફોન આવ્યો કે, ૨૨મીએ સાંજે અમૃતસર વાઘા બોર્ડર પર તેના પિતાને મુક્ત કરાશે.

નોંધનીય છે કે, કુલભૂષણ જાધવ કેસમાં બીજી જાન્યુઆરીએ સુનાવણી દરમિયાન ભારતે ઇસ્લામાબાદ હાઈ કોર્ટને જણાવ્યું હતું કે, ઇસ્માઇલ સમાને તેની જેલની સજા પૂર્ણ કરી હોવા છતાં પણ પાકિસ્તાનની જેલમાં કેદ કરી રખાયો છે. હાઈ કોર્ટે ૧૪મી જાન્યુઆરીએ આ મામલે ફરીથી સુનાવણી કરતી વખતે, ઇસ્માઇલને ૨૨ જાન્યુઆરીના રોજ મુકત કરવાનો આદેશ આપ્યો હતો.

પાકિસ્તાનમાંથી છૂટી અમૃતસરમાં ફસાયો

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલો ઇસ્માઇલ અમૃતસરમાં ફસાઇ ગયો હોવાની વાત પરિવારને જાણવા મળી હતી. કચ્છ અને ગુજરાતના વહીવટી તંત્રએ ઇસ્માઇલને પરિવારને સોંપવા માટે અમૃતસર વહીવટી તંત્રનો સંપર્ક જ કર્યો નહોતો તેવા અહેવાલ હતા. પાકિસ્તાને ઇસ્માઇલને મુક્ત કરી દેતા ગૃહ મંત્રાલયે ગુજરાત સરકારને જાણ કરી હતી. અમૃતસર પહોંચ્યા બાદ ત્યાંના વહીવટી તંત્રએ કચ્છના વહીવટી તંત્રને તેને કબજો લેવા માટે લેખિતમાં જાણ કરી હતી, જોકે કચ્છના તંત્ર તરફથી કોઇ જવાબ જ નથી પહોંચ્યો. તેવું જાણવા મળ્યું હતું. પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયો હોવાથી પહેલ જિલ્લા વહીવટી તંત્રની હોવી જોઇએ, પણ ભુજથી તેનો પરિવાર ત્યાં લેવા માટે પહોંચ્યો હતો. જોકે, ભુજના વહીવટી તંત્ર તરફથી કોઇ જવાબ નહીં મળે ત્યાં સુધી તેને અમૃતસરથી મુક્ત નહીં કરાય તેમ જાણવા મળ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter