ભૂજઃ બ્રિટન સ્થિત કચ્છી સ્વામીનારાયણ મંદિરો પૈકીના સ્ટેનમોર મંદિરના પ્રમુખ અને સ્થાપક ટ્રસ્ટી ભીમજીભાઇ માવજી ભુડિયા (ઉં ૫૬)નું તાજેતરમાં અવસાન થતાં કચ્છથી કેન્યા, યુ.કે., ઓસ્ટ્રેલિયા સહિતના વર્તુળોમાં દુ:ખની લાગણી ફેલાઇ હતી. તેઓ કચ્છ ફોટડી ગામના વતની હતા. સ્ટેનમોર મંદિર દ્વારા જણાવ્યા મુજબ તેઓનું ૧૩ જાન્યુઆરીએ લંડનમાં તેમનું અવસાન થયું છે. તેઓ ધર્મભકિત મેનોર સ્વામીનારાયણ મંદિરના ફાઉન્ડિંગ ટ્રસ્ટી હતા. નરનારાયણ દેવના ચુસ્ત અનુયાયી હતા. તેઓએ સ્વામીનારાયણ સંપ્રદાયના યુ.કે.માં વિકાસ અને ખ્યાતિ માટે અનેક સેવાકાર્યો કર્યાં હતાં.
સ્ટેનમોર મંદિરમાં શાળા શરૂ કરવાનું તેમનું સ્વપ્ન હતું અને તેનાં બિલ્ડિંગ-પ્લાનિંગ માટે સક્રિય હતા. તેઓ ઉમદા સત્સંગી અને સ્વપ્નદૃષ્ટા હોવાનું મંદિરે શ્રદ્ધાંજલિ અર્પતાં ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે, બ્રિટનના જાહેર આરોગ્ય વિભાગને વેન્ટિલેટર સહિતની સેવાઓ તેમના પ્રમુખપદે મંદિરે કરાઈ હતી. આ કાર્યની કચ્છ સત્સંગના વિશ્વવાસી વર્તુળોમાં સરાહના થઇ હતી. સદ્ગતના અવસાનથી બ્રિટનના સનાતન હિન્દુ મંદિરોએ શ્રદ્ધાંજલિ અર્પી હતી તો કચ્છી લેવા પટેલ સમાજ ભુજના પ્રમુખ વેલજીભાઇ પીંડોરિયા, અધ્યક્ષ ગોપાલભાઇ ગોરસિયા, નાઇરોબી સમાજ પ્રમુખ ભીમજીભાઇ હાલાઇ, મોમ્બાસા સમાજ પ્રમુખ ધનજીભાઇ પીંડોરિયા, કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુ.કે.ના પૂર્વ પ્રમુખ માવજીભાઇ ધનજી વેકરિયા (કેન્ફોર્ડ), દાતા શામજીભાઇ દબાસિયા (જેસામ), ફોટડી લેવા પટેલ સમાજ પ્રમુખ લક્ષ્મણ હીરજી ભુડિયા, ફોટડી મંદિર પ્રમુખ રમેશ કેશરા ભુડિયા, મંત્રી કલ્યાણ રામજી હીરાણીએ પણ શ્રદ્ધાસુમન અર્પ્યા હતા.