ભૂજ: કચ્છનું સફેદ રણ, ધોરાવીરા, માંડવી બીચ, આયના મહેલ સહિતના કચ્છના કેટલાક સ્થળ તો પર્યટકોમાં જાણીતા છે. જોકે અનેક સ્થળ ઓછા પ્રખ્યાત છે. આવું જ એક સ્થળ એટલે કડિયા ધ્રો (કાળિયા ધ્રો). આ કાળિયા ધ્રોની નોંધ અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર ધ ન્યૂ યોર્ક ટાઈમ્સમાં લેવાઇ છે! અખબારે ૨૦૨૧માં પસંદ ફરવા જેવા સ્થળોની યાદીમાં કચ્છની કરોડો વર્ષ જૂની આ ખડકીય સંરચનાની પસંદગી કરતાં વૈશ્વિક સ્તરે કાળિયા ધ્રોની નોંધ લેવાઇ છે.
અમેરિકન અખબાર ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ દર વર્ષે આવા રમણીય સ્થળની યાદી બહાર પાડે છે. વર્ષ ૨૦૨૧માં જારી કરવામાં આવેલી યાદીમાં કડિયા ધ્રોને ત્રીજા સ્થાને મૂકવામાં આવ્યું છે. આ ઉપરાંત આ યાદીમાં ભારતનાં ત્રણ સ્થળ છે. જેમાં કડિયા ધ્રોએ ભારતના હિમાલયના પ્રખ્યાત નંદાદેવી પર્વત અને લદ્દાખને પણ પાછળ રાખી દીધા છે! વિશ્વભરમાંથી આવેલા જોવાલાયક ૨૦૦૦ સ્થળની યાદીમાંથી આ સ્થળને પસંદ કરાયા છે.
પ્રવાસીની તસવીરોની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ
નખત્રાણાના દુર્ગમ વિસ્તારોમાં એક સમયે સપાટ રહેલા ખડકોને પવનની થપાટો અને પાણીનો ધસારો લાગતાં આજે અચરજ પમાડે તેવાં કોતરો રચાયાં છે. કોટડા થરાવડા, ભડલી, લાખિયારવીરા, જતાવીરા, મોરજર અને કૂઇના નિર્જન વિસ્તારોમાં કુદરતે કમાલનું નક્શીકામ કર્યું છે. ઊંડા ઊંડા કોતરો વચ્ચે ક્યાંક નાના તળાવ જોવા મળે છે.