ભૂજઃ આજે શહેર અને ગામડાઓમાં લોકો રેડિયો ઉપર હોંશભેર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ‘મનકી બાત’ કાર્યક્રમ સાંભળીને રેડિયોના જુના જમાનાને યાદ કરે છે. બીજી તરફ, હકીકત એ છે કે વર્તમાન સમયમાં ટીવી ચેનલો અને વેબ સિરિઝોએ ઉભા કરેલા પડકારના સંઘર્ષમાંથી બહાર નીકળવાનો સામનો કરી રહેલા રેડિયો માટે ટકવું મુશ્કેલ બનતું હોય તેમ એક પછી એક પ્રાદેશિક આકાશવાણી કેન્દ્રો બંધ થઈ રહ્યા છે. જેમાં હવે ભુજના આકાશવાણી કેન્દ્રનો સમાવેશ થશે. ૫૫ વર્ષથી સરહદી ગામડાઓમાં આકાશવાણી રેડિયોના સુર વિલાશે.
ભારત-પાકિસ્તાનના ૧૯૬૫ના યુદ્ધ દરમિયાન સરહદી જિલ્લાના મહત્ત્વને ધ્યાને લઈને શરૂ કરાયેલા ભુજના આકાશવાણી કેન્દ્રને બંધ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે. પ્રસાર ભારતી દ્વારા રેડિયો પ્રસારણ સેવાને ઓપરેટીંગ સ્ટેશન અને કોન્ટ્રીબુટીંગ સ્ટેશન એમ બે પ્રકારની સેવાઓમાં વિભાજિત કરતાં ભુજ આકાશવાણી કેન્દ્ર હવે માત્ર કોન્ટ્રીબ્યુટીંગ સ્ટેશન તરીકે અમદાવાદ આકાશવાણી કેન્દ્ર હેઠળ કાર્ય કરશે. આમ હવે ભુજ આકાશવાણી દ્વારા સ્વતંત્ર રીતે કોઈ પણ કાર્યક્રમ બનાવીને ફુલ ટાઈમ પ્રસારણ નહીં થાય, પણ ભુજ કેન્દ્ર દ્વારા દરરોજ માત્ર અડધો કલાક અથવા એક કલાકનો કાર્યક્રમ બનાવીને અમદાવાદ સ્ટેશન મોકલાશે અને ત્યાંથી પ્રસારિત કરાશે.
કચ્છ જેવા સરહદી વિસ્તારમાં રેડિયોની ભુમિકા લોકપ્રહરી તરીકેની રહી છે. આકાશવાણીએ કચ્છની ભાતીગળ લોકકલા અને લોકસંસ્કૃતિનું જતન કર્યું છે, કલાકારોનું હીર પાધરું કર્યું છે. તો, ૧૯૫૬ના અંજારના ધરતીકંપ, ’૭૧ના પાકિસ્તાન સાથેના યુદ્ધ, ૧૯૯૬ના કંડલાના વાવાઝોડા, ૨૦૦૧ના ભીષણ ભુકંપ દરમિયાન રેડિયોએ લોકોને સાબદા રાખી સરકાર, તંત્ર અને લોકો વચ્ચે સેતુની ભુમિકા રચી છે.