નૈરોબીઃ આફ્રિકાના નૈરોબીમાં આવેલા લંગાટામાં નરનારાયણદેવ નૂતન મંદિર મહોત્સવનો ૩૧મી જુલાઈએ વિજયસ્તંભ રોપણ સાથે ભવ્ય પ્રારંભ થયો હતો. ભુજ નરનારાયણદેવ મંદિરના ૧૬૧ સંતો સહિત સમસ્ત ધર્મકુળ પરિવાર આ અવસરે લંગાટામાં હાજર હતો.
નરનારાયણદેવ નૂતન મંદિર મહોત્સવનું મંગળાચરણ ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, વરિષ્ઠ સંતો પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, પુરાણી કેશવપ્રસાદ સ્વામીના હસ્તે વિજયધ્વજ આરોહણ સાથે રવિવારે સવારે થયું હતું. ગરુડસ્તંભ અર્પણ, ૬૩ કરોડ સ્વામિનારાયણ હસ્તલિખિત મંત્રનું પોથીપૂજન તેમજ મૂળ સંપ્રદાયના સિદ્ધાંતોને ઉજાગર કરતું વિશાળ પ્રદર્શન આ અવસરે ખુલ્લું મુકાયું હતું. આ ઉપરાંત સી.ડી. વિમોચન સહિતના અનુષ્ઠાન આ દિવસે થયા હતા.
મહોત્સવમાં સવારની સભામાં ઘનશ્યામ મહારાજના વાઘા માટે ૨.૫ કિલો સુવર્ણનું દાન મળ્યું હતું અને ખીમજી શિવજી સિયાણી અને પ્રેમજી મેઘજી વેકરિયાના પરિવારો દ્વારા સુવર્ણ મુગટ માટે ૨૦ લાખ સિલિંગ જાહેર કરાયા હતા.
આ પ્રસંગે કેન્યાની નવ સેવા સંસ્થાઓને સહાયની જાહેરાત કરાઈ હતી. સભાપતિ અક્ષરપ્રકાશદાસજી સ્વામી, કૃષ્ણપ્રિય (કે.પી.) સ્વામી સહિત કચ્છ નરનારાયણ દેવ યુવક મંડળના યુવા સંતો, વડીલ સંતો, મંદિરના ટ્રસ્ટીઓ મહોત્સવમાં જોડાયા હતા. આ પ્રસંગે મંદિરના આખાય પરિસરને રોશનીથી ઝળાહળા કરી દેવાયું હતું.
દુ:ખી લોકોની મદદ
મહોત્સવમાં મંદિર ટ્રસ્ટે સેવાની સરિતા વહાવી હતી. છેલ્લા બે વર્ષમાં શારીરિક-માનસિક વિકલાંગ અને ગરીબ-તરછોડાયેલા બાળકોની મદદ કરતી કેન્યા દેશની નવ સંસ્થાઓને હરિભક્તો દ્વારા દાનની સહાય ૩૧મીએ અપાઈ હતી. ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી સ્વામી, પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, કેશવપ્રસાદદાસજી સ્વામી, પુરાણી શ્રીહરિદાસજી સ્વામી, સનાતનદાસજી સ્વામી, શાસ્ત્રી ભગવદ્જીવનદાસજી સ્વામી, શાસ્ત્રી વિશ્વપ્રકાશદાસજી સ્વામી, શાસ્ત્રી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી, શાસ્ત્રી અક્ષરપ્રકાશદાસજી સ્વામી, ડો. સત્યપ્રસાદદાસજી સ્વામી, શાસ્ત્રી અક્ષરપ્રિયદાસજી સ્વામી, શાસ્ત્રી કૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી સહિત સંતો અને યુવાન હરિભક્તોના હાથે સેવાની અર્પણવિધિ થઈ હતી. ૫૦૦થી વધુ કામદારોને આ પ્રસંગે ઉત્સવના ટી-શર્ટ અપાયા હતા.