અમદાવાદઃ ગુજરાતમાં આ વખતે 25 બેઠકો પર 35 મુસ્લિમ ઉમેદવારો છે, પરંતુ આ પહેલીવાર છે જ્યારે કોંગ્રેસે કોઈ મુસ્લિમ ઉમેદવાર પર દાવ લગાવ્યો નથી. કોંગ્રેસે દલીલ કરી છે કે, ભરૂચ લોકસભા બેઠકથી પરંપરાગત રીતે એક મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતારે છે, પરંતુ આ વખતે INDIA ગઠબંધનમાં બેઠક વહેંચણીના સોદાના ભાગરૂપે આમ આદમી પાર્ટી (‘આપ’) પાસે આ બેઠક ગઈ છે. રાષ્ટ્રીય પક્ષોમાં માત્ર બસપાએ ગાંધીનગરથી મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. 2019માં રાજ્યમાં મુસ્લિમ સમુદાયના 43 ઉમેદવાર મેદાનમાં હતા. સમાજના મોટાભાગના ઉમેદવારો સ્વતંત્ર રીતે ચૂંટણી લડી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના લઘુમતી વિભાગના પ્રમુખ વઝીરખાન પઠાણનું કહેવું છે કે, પક્ષે સમુદાયને એક બેઠક પર ચૂંટણી લડવા માટે કહ્યું હતું, પરંતુ સમુદાયના સભ્યોએ જીતની ઓછી સંભાવનાને ધ્યાનમાં રાખીને ના પાડી દીધી હતી.