અમદાવાદઃ વૈશ્વિક ગુજરાતી સંગઠન Global Gujarati Federation દ્વારા અમદાવાદમાં 6-7-8 જાન્યુઆરી, 2024ના રોજ વિશ્વમાનવી ગુજરાતી મહોત્સવનું આયોજન કરાયું છે. દરિયાપાર વસતા ગુજરાતીઓને પ્રતિબદ્ધ સંસ્થા વૈશ્વિક ગુજરાતી સંગઠન Global Gujarati Federationની સ્થાપના 2013માં જાણીતા લેખક-પત્રકાર અને સમાજે પ્રતિબદ્ધ એવા રમેશ તન્ના દ્વારા કરાઈ હતી. આ સંસ્થા અત્યારે પોતાનો દશાબ્દિ મહોત્સવ ઉજવી રહી છે.
છઠ્ઠી જાન્યુઆરી, 2024 - શનિવારના રોજ જે.બી. ઓડિટોરિયમ - એએમએ (અટીરાની બાજુમાં, અમદાવાદ) સવારે 9-30થી 12-30 દરમિયાન સમગ્ર વિશ્વના ખાસ કરીને દરિયાપારના તમામ ગુજરાતી સમાજો અને મહત્ત્વની સંસ્થાઓ તથા વ્યક્તિઓનું અભિવાદન કરાશે. જેમાં પૂજ્ય ભાગવત શાસ્ત્રીજી ઋષિ (ભાગવત વિદ્યાપીઠ, અમદાવાદ), જગદીશ વિશ્વકર્મા (મંત્રીશ્રી - સહકાર, મીઠા ઉદ્યોગ, પ્રિન્ટિંગ, સ્ટેશનરી, પ્રોટોકોલ-સ્વતંત્ર હવાલો, ગુજરાત), પ્રતિભાબહેન જૈન (મેયર - અમદાવાદ), ઉદય માહુરકર (સ્થાપક - સેવ કલ્ચર, સેવ ઈન્ડિયા મુવમેન્ટ), આર.પી. પટેલ, (પ્રમુખ - વિશ્વ ઊમિયા ધામ), સતીષ વિઠલાણી, (પ્રમુખ - શ્રી લોહાણા મહાપરિષદ), ઉમંગ ઠક્કર (પૂર્વ પ્રમુખ - શ્રી ગુજરાત લોહાણા સમાજ) ઉપસ્થિત રહેશે. આ અવસરે એક નવી સંસ્થા એનઆરઆઈ પેરેન્ટ્સ ફેમિલિ (NRI-PF)નું ઉદ્ઘાટન કરાશે.
સાતમી જાન્યુઆરી - રવિવારના રોજ ‘દરિયાપારઃ મા ગુર્જરીનો જયજયકાર’ કાર્યક્રમ અંતર્ગત જાણીતા સાહિત્યકાર મધુ રાયના તંત્રીપદે પ્રકાશિત થતાં ‘મમતા’ (સામયિક) દ્વારા યોજાયેલી વાર્તાસ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ થશે. જેમાં વિશેષ ઉપસ્થિતિ મધુ રાયની રહેશે જ્યારે કાર્યક્રમના અધ્યક્ષપદે આસિત મોદી (‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ ફેઈમ) હશે. આ પ્રસંગે વિજેતા થયેલી વાર્તાઓનું પઠન પણ થશે.
આઠમી જાન્યુઆરી - સોમવારના રોજ મહત્ત્વના બે પરિસંવાદો યોજશે. સવારના સત્રમાં ‘દરિયાપારનું ગુજરાતી પત્રકારત્વ’ પરિસંવાદ યોજાશે. જેમાં સી.બી. પટેલ (પ્રકાશક - તંત્રી, ગુજરાત સમાચાર - લંડન), કિશોર દેસાઈ (સ્થાપક તંત્રી, ગુર્જરી - અમેરિકા), સુભાષ શાહ (સ્થાપક તંત્રી, ગુજરાત દર્પણ - અમેરિકા), નીલેશ દવે (તંત્રીશ્રી - મુંબઈ સમાચાર), મનીષ મહેતા (તંત્રી, દિવ્યભાસ્કરડોટ કોમ) વગેરે વગેરે વક્તવ્યો આપશે. આ સેમિનાર હોલ નંબર 14 - એએમએ (અટીરાની બાજુમાં, અમદાવાદ)માં યોજાશે.
આ જ દિવસે ઢળતા બપોરે બે કલાકે ગુજરાત યુનિવર્સિટીના ઈતિહાસ વિભાગના સભાગૃહમાં ‘દરિયાપારના ગુજરાતી સમુદાયઃ સંશોધન અને દસ્તાવેજીકરણ’ વિશે નિષ્ણાતોની હાજરીમાં પરિસંવાદ થશે. જેમાં વક્તાઓ ડો. નિરજા ગુપ્તા (કુલપતિ - ગુજરાત યુનિવર્સિટી) ચાવીરૂપ વક્તવ્ય આપશે. આ ઉપરાંત ડો. મકરંદ મહેતા (ઈતિહાસકાર) ‘પૂર્વ આફ્રિકા અને બ્રિટનનો ગુજરાતી ડાયસ્પોરા’ વિષય પર, શિરિન શુકલ (ઇતિહાસકાર) ‘બ્રિટનનો પારસી ડાયસ્પોરા’, ડો. મણિલાલ હ. પટેલ, (સાહિત્યકાર) ‘અમેરિકાનો ડાયસ્પોરા’ વિષય પર, રમેશ તન્ના (લેખક અને સંશોધક) ‘ગુજરાતી ડાયસ્પોરાનું સંશોધન અને દસ્તાવેજીકરણઃ થયેલું કાર્ય અને કરવાનું કાર્ય’ વિષય પર જ્યારે દક્ષા રાણા (સંશોધક) ‘ગુજરાતી ડાયસ્પોરાના સંશોધનનો અનુભવ’ વિષય પર વ્યાખ્યાનો આપશે. સંસ્થા દ્વારા પાંચ વર્ષનો પ્રકલ્પ તૈયાર કરીને પાંચ ખંડોનું પદ્ધતિસર-શાસ્ત્રીય રીતે દસ્તાવેજીકરણ કરાશે.
આ દિવસોમાં દરિયાપારના ગુજરાતી અગ્રણીઓની ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને ચા-પાણી સાથે મુલાકાત ગોઠવાઈ રહી છે. આ મહોત્સવ પ્રસંગે સંસ્થા તરફથી એક ખાસ સામાયિકનું પ્રકાશન થઈ રહ્યું છેઃ જેનું નામ છેઃ ‘વિશ્વમાનવી ગુજરાતી’. આ સામયિકમાં દરિયાપારની વિવિધ વ્યક્તિઓ અને સંસ્થાઓનાં શબ્દચિત્રો મૂકાશે.
આ અંગે વધુ માહિતી સંસ્થાના સ્થાપક રમેશ તન્ના (ફોનઃ 98240 34475) પાસેથી મળશે.