મહુવા તાઃ 24 – નવસારીના આ ડોક્ટરની ઉંમર 92 વર્ષ છે, પણ જુસ્સો 29 વર્ષના યુવાનને પણ શરમાવે તેવો છે. આજકાલના યુવા તબીબો ગામડાંગામમાં જઇને દર્દી-નારાયણની સેવા કરવા જવાનું કોઇને કોઇ પ્રકારે ટાળતા રહે છે, ત્યારે આ ડોક્ટર સાહેબ દરરોજ 40 કિમીનું અંતર કાપીને ગામડાંમાં દર્દીને તપાસવા જાય છે. આમ છતાં તેમના ચહેરા પર સહેજ પણ થાક વર્તાતો નથી. તેઓ ક્યારેય રજા નથી લેતા, જેથી નાના ગામડાંમાં રહેતા દર્દીઓને કોઈ મુશ્કેલી ના પડે. આ પ્રેરક વ્યક્તિ એટલે નવસારીના ડો. કપિલરામ દલપતરામ પુરોહિત.
ડો. પુરોહિત કહે છે કે, ‘દર્દીની સેવા થવી જ જોઈએ. આ જ મારો જીવનમંત્ર છે. દર્દીઓના આશીર્વાદથી જ ઉંમરના આ પડાવે હું સંપૂર્ણપણે ફિટ અને સક્રિય છું.’ ડો. પુરોહિતને હાર્ટએટેક પણ આવી ચૂક્યો છે. કોરોના સંક્રમિત પણ થયા હતા, પરંતુ તેમણે દર્દીઓની સેવા ચાલુ રાખી છે.
35 વર્ષથી આ જ દિનચર્યા
છેલ્લા 35 વર્ષથી આ જ તેમની દિનચર્યા છે. ગરીબ દર્દીઓ સારવાર માટે તેમની મુલાકાત લેતા ખચકાતા નથી કારણ કે, પૈસા ના હોય તો પણ દર્દીઓએ ક્યારેય નિરાશ નથી થવું પડતું. તેઓ નવસારીના પોતાના ઘરેથી રોજ વલવાડા ગામ સુધી અપડાઉન કરે છે. રોજ સવારે આઠ વાગ્યે ક્લિનિક પહોંચી જાય છે અને છ વાગ્યે ઘરે પરત ફરે છે. તેઓ ટિફિન લઈને જ ક્લિનિક જાય છે.
ચોર્યાસી તાલુકાના ખરવાસા ગામે 1931મા જન્મેલા ડો. પુરોહિતને નાનપણમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાની ઈચ્છા હતી, પરંતુ લોકસેવા માટે સીએ નહીં પણ તબીબ બનવાની પિતાની સલાહથી તેમણે આયુર્વેદ અને એલોપથીની ડિગ્રી મેળવી અને ગરીબોની સેવા શરૂ કરી. 1956માં તેમને સર્વોદય યોજના હેઠળ મહુવા તાલુના પૂણા ગામમાં ડોક્ટર તરીકે નિમણૂક મળી હતી. 30 વર્ષ પછી સર્વોદય યોજના તો બંધ થઇ ગઇ, પણ 1988માં તેમણે મહુવાના વલવાડા ગામને પોતાની કર્મભૂમિ બનાવી દીધી.