અમરેલીઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં ધસી જઈને ડોક્ટરને લાફો મારવાના ત્રણ વર્ષ જૂના કેસમાં સ્થાનિક કોર્ટે ભાજપના સાંસદ નારણ કાછડિયા સહિત પાંચને ત્રણ વર્ષની કેદ અને સાત - સાત હજાર રૂપિયાના દંડની સજા ફટકારી છે.
અમરેલીની સિવિલ હોસ્પિટલમાં પહેલી જાન્યુઆરી, ર૦૧૩ના રોજ ડોક્ટર ભીમજીભાઈ લાલજીભાઈ ડાભી ફરજ પર હતા અને એક ઈમરજન્સી કેસમાં દર્દીની સારવાર કરી રહ્યા હતા. આ સમયે ધારીથી કેટલાક લોકો એક દર્દીને હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ દર્દીને તાત્કાલિક સારવાર કરવા જણાવ્યું હતું. તબીબ અન્ય ઈમરજન્સી કેસમાં દર્દીની સારવારમાં વ્યસ્ત હોવાથી દર્દીના ઉશ્કેરાયેલા સગાઓ પૈકી એક મહિલાએ સ્થાનિક સાંસદ નારણ કાછડિયાને મોબાઈલ પર ફોન કર્યો હતો. મહિલાએ સાંસદ સાથે વાત કર્યા બાદ સાંસદે તબીબને પોતાની સાથે વાત કરાવાનું કહ્યું હતું. જોકે આ સમયે ઈમરજન્સી કેસની સારવારમાં વ્યસ્ત તબીબે સાંસદ સાથે વાત કરવાની ના પાડી દીધી હતી.
આથી ઉશ્કેરાયેલા અમરેલીના સાંસદ નારણ કાછડિયા (પ૭) તેના ડ્રાઈવર રમેશ ડોબરિયા (૩ર), અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય સંભાળતા ભાજપના આગેવાન કિરીટ વામજા (૪ર), ધારીના મધુબેન રમેશભાઈ જોશી (૪૪), ધારીના રવિ ઉર્ફે બન્ટી ભરતભાઈ જોશી (ર૪) સહિત ૧૦થી ૧પ લોકો હોસ્પિટલે ધસી ગયા હતા
આક્રોશભેર હોસ્પિટલે પહોંચેલા સાંસદ અને તેના સાથીદારોએ ડો. ડાભીની ચેમ્બરમાં ધસી જઈને તું મારો ફોન કેમ ઉપાડતો નથી? તેમ કહીને તબીબને લાફા ઝીંકી દીધા હતા. બેફામ ગાળો આપી હતી અને ફરી વખત આવી ભૂલ કરશે તો પતાવી દેવાની ધમકી આપી હતી. ભાજપના આગેવાનોની આ ગુંડાગીરી સામે તબીબે સાંસદ સહિતના ટોળા સામે અમરેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ટોળામાંથી સાંસદ સહિત પાંચ વ્યકિતઓની ઓળખ થઈ હતી અને કોર્ટમાં આરોપીઓ વિરુદ્ધ ૧પ પંચો અને ૧૯ જેટલા પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. જેના આધારે અમરેલીની એડિશનલ ડિસ્ટ્રીકટ કોર્ટના જજ ભટ્ટે અમરેલીના સાંસદ નારણ કાછડિયા, ભાજપના કિરીટ વામજા સહિત પાંચ વ્યકિતઓને ત્રણ વર્ષની કેદ અને તમામને રૂ. ૭-૭ હજાર મળીને કુલ રૂ. ૩પ હજારના દંડની સજા ફરમાવી હતી.
કોર્ટે ચુકાદો સંભળાવ્યો ત્યારે સાંસદને આરોપીના પીંજરામાં ઉભા રહેવાની ફરજ પડી હતી. કોર્ટે સજા સંભળાવ્યા બાદ સાંસદે ઉપલી કોર્ટમાં જવા માટે મુદત માગતા આગામી તા. ૧૧ મે સુધી સજાની અમલવારી મોકુફ રાખવામાં આવી છે. કોર્ટમાં ભાજપના આગેવાનો અને સાંસદના ટેકેદારો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.
મને ફસાવાયો છેઃ કાછડિયા
કોર્ટ રૂમમાંથી બહાર નીકળ્યા બાદ સાંસદ નારણ કાછડિયાએ જણાવ્યું હતું કે કોર્ટે આપેલા ચુકાદાને માથે ચડાવું છું, પણ આ કેસમાં હું નિર્દોષ છું અને મને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. જેથી આ ચુકાદાને ગુજરાત હાઈ કોર્ટમાં પડકારવામાં આવશે. કોર્ટ દ્વારા આ માટે મને ૧૧ મે સુધીનો સમય આપવામાં આવ્યો છે.
સાંસદ રાજીનામું આપેઃ કોંગ્રેસ
કોંગ્રેસ પ્રમુખ, માજી સાંસદ અને અમરેલીના ધારાસભ્યે એક સંયુકત નિવેદનમાં જણાવ્યું છે કે ન્યાયાલયે સાંસદને ગુનેગાર ઠેરવ્યા છે ત્યારે ભાજપના સાંસદે પોતાની નૈતિક ફરજ સમજીને સાંસદ તરીકે રાજીનામું આપી દેવું જોઈએ.