સુરતઃ એરપોર્ટ પરથી ૧૧મી ઓક્ટોબરે રાત્રે સુરત-શારજાહ ફ્લાઈટમાંથી ઉતરેલા વલસાડના યુવાન જિજ્ઞેશ પટેલ પાસેથી રૂ. ૯૦ લાખની કિંમતનો ૨૨૦૦ ગ્રામ સોનાનો જથ્થો ઝડપાતાં તેની ધરપકડ કરાઈ હતી. કાનૂની જોગવાઈ મુજબ રૂ. ૧ કરોડથી ઓછી કિંમતના સોનાની દાણચોરીના કેસમાં આરોપીને જામીન મળી શકે છે. જેથી વલસાડના યુવાનની ધરપકડ બાદ શરતી જામીન પર તેને મુક્ત કરાયો હતો. એરપોર્ટ કસ્ટમ વિભાગે કહ્યું કે, જિજ્ઞેશની વર્તણૂક શંકાસ્પદ હોવાથી તેની જડતી લેવાઈ હતી. જેમાં જિજ્ઞેશના પગના મોજામાંથી ૧૦ સોનાના બિસ્કીટ, જીન્સના બેલ્ટમાંથી ૯ બિસ્કીટ તથા પેન્ટના ખિસ્સામાંથી સોનાનું બ્રેસલેટ મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સુરત-શારજાહ ફ્લાઈટ શરૂ થયા પછી લિક્વિડ ફોર્મમાં સોનાની દાણચોરી વધી છે. છેલ્લાં ત્રણ માસમાં આ ફ્લાઈટમાંથી સોનાના જથ્થા સાથે આશરે ૮ની ધરપકડ થઈ છે જ્યારે અત્યાર સુધીમાં કુલ ૧૪ જેટલા કેસમાં દાણચોરીના ઈરાદે આ ફ્લાઈટમાં કરોડો રૂપિયાનો સોનાનો જથ્થો પકડાયો છે.