વ્યારાઃ તાપી જિલ્લાની પેટાચૂંટણીઓમાં તાજેતરમાં ભાજપની જ્વલંત સફળતા બાદ વર્ષોથી કોંગ્રેસની ગઢ રહેલી વ્યારા તાલુકા પંચાયતમાં પણ ગાબડું પાડવામાં ભાજપે મારેલી બાજી રંગ લાવી છે. તાલુકા પંચાયતની પ્રમુખ, ન્યાય સમિતિના અધ્યક્ષ સહિત સભ્યો ભાજપમાં જોડાતા કુલ સભ્યો પૈકી ૯ કોંગ્રેસના તથા ૧૧ ભાજપના થતા ભાજપે સત્તા આંચકી લીધી છે.
તાપી જિલ્લા પંચાયતમાં વેતીલ ટર્મમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. જિલ્લમાની સાત તાલુકા પંચાયતો પૈકી વ્યારા અને સોનગઢ તાલુકા પંચાયતોમાં કોંગ્રેસ સત્તા જાળવી રાખી હતી, પરંતુ વ્યારા તાલુકા પંચાયતમાં ભાજપે મોટું ગાબડું પાડ્યું હતું આઝાદીના વર્ષો બાદ કોંગ્રેસનો ગઢ ગણાતી વ્યાપાર તાલુકા પંચાયત ઉપર પ્રથમ વખત ભગવો લહેરાયો છે. તાપી જિલ્લાના નવનિયુક્ત પ્રભારી મંત્રી મુકેશ પટેલની હાજરીમાં તાલુકા પંચાયત વ્યારાના પ્રમુખ અને ન્યાય સમિતિના અધ્યક્ષ સહિત ૫ સભ્યો અને વાલોડ તાલુકા કોંગ્રેસના આગેવાનો બાજુપરા ખાતે યોજાયેલ ભાજપના કાર્યક્રમમાં ભાજપમાં જોડાતા કોંગ્રેસ મોટો આંચકો લાગ્યો છે.