આર્ચરી એસોસિયેશન દ્વારા સર્કિટ હાઉસ ખાતે જનરલ મિટિંગનું આયોજન કરાયું
આર્ચરી એસોસિયેશન ઓફ દાદરા નગર હવેલી અને દમણ-દીવ આર્ચરીને વેગ મળી રહે એ માટે વર્ષોથી કાર્યરત્ છે. સંસ્થા દ્વારા 80થી વધુ શાળામાં અને ગ્રામીણ વિસ્તારના પાંચ હજાર કરતાં વધુ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આર્ચરની પ્રાથમિક તાલીમ વીજેન્દ્રભાઈ નરોલિયા અને દમણગંગા સર્કિટ હાઉસ ખાતે આર્ચરી એસોસિયેશનના પ્રમુખ એડવોકેટ સની ભીમરાના નેતૃત્વમાં આપવામાં આવી હતી. જેમાં દાનહ ડીડીનાં બાળકો તેમજ યુવા યુવતીઓને તીરંદાજીના ક્ષેત્રમાં પોતાનું ભવિષ્ય કઈ રીતે બનાવી શકે અને ઓલિમ્પિક જેવી મોટી સ્પર્ધામાં મેડલ જીતી પ્રદેશનું નામ કઈ રીતે રોશન કરી શકાય તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ખેલો ઇન્ડિયા જેવી રમતોમાં પ્રદેશમાં બાળકોની પસંદગી થઈ શકે એ માટેની યોગ્ય તાલીમ બાળકોને કેવી રીતે આપી શકાય એ માટેની રૂપરેખા બનાવવામાં આવી. આવનારા સમયમાં દાનહ ડીડીમાં તીરંદાજી હરીફાઈનું આયોજન કરવામાં આવે અને આર્ચરીને વેગ મળે એ માટે યોગ્ય પગલાં એસોસિયેશન દ્વારા લેવામાં આવશે, જેની બાંહેધરી સંસ્થાના પ્રમુખ એડવોકેટ સની ભીમરા દ્વારા આપવામાં આવી હતી. આ અવસરે જનરલ સેક્રેટરી વીજેન્દ્ર નરોલિયા, ઉપપ્રમુખ જસ્મિન દેસાઈ સહિત સંસ્થાના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.
જંગલમાં ઝાડ કાપતા લોકો પાસેથી વન્યપેદાશ જપ્ત કરવામાં આવી
દાદરા નગર હવેલી વન વિભાગની ટીમને જંગલમાંથી ઝાડ કાપવાની બાતમી મળી હતી, જેને ગંભીરતાથી લઈ ટીમ દ્વારા તુરંત તપાસ કરવામાં આવી હતી. ટીમની તપાસ દરમિયાન ઉમરકુઈ અને અથોલા ગામે જંગલમાંથી ઝાડ કાપી લાકડાં લઈ જવાનો પ્રયાસ કરનારા બે શખ્સને ઝડપી લેવાયા હતા. બંને શખ્સો પાસેથી ટેમ્પો અને વન્યપેદાશ જપ્ત કરવામાં આવી હતી. અભયારણ્યમાં ઝાડને ખાંડા કરવાના ગુનામાં ઉમરકૂઈ રાઉન્ડની ટીમે આરોપી રમેશ મોહનકર નામના શખ્સ સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972અંતર્ગત ગુનો દાખલ કરી કલમ 27, 29, 31મુજબ ચાર્જશીટ દાખલ કરી છે. તો અથોલા ગામના બીજા આરોપી નવીન બારઠ વિરુદ્ધ આઇએફએ એક્ટ હેઠળ પિકઅપ ટેમ્પો અને પાંચસો કિલો લાકડાં સાથે સાધન અને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ બંને કેસમાં આરએફઓ કિરણસિંહ પરમાર દ્વારા કલમ 27, 29 અને 31અંતર્ગત ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
દમણ અને સરીગામની શાળાના વિદ્યાર્થીઓએ સાતમાલિયા ડિયર પાર્કની મુલાકાત લીધી
દાદરા નગર હવેલીનાં પર્યટન સ્થળોની મુલાકાતે સુરત મુંબઈ સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. આઇઆઇએમ ઇંગ્લિશ સ્કૂલ મોટી દમણ અને કેરિયર વિઝન પ્રાઇમરી સ્કૂલ સરીગામ શાળાના વિદ્યાર્થીઓએ સાતમાલિયા ડિયર પાર્કની મુલાકાત લીધી હતી. વનવિભાગના સ્ટાફ સ્વામી ગુપ્તા, વનપાલ, ફોરેસ્ટ ગાર્ડ વીપીક્ષા આહિર દ્વારા વિદ્યાર્થીઓને જંગલ અને ત્યાં રાખવામાં આવેલાં પ્રાણીઓ અંગે જાણકારી આપવામાં આવી હતી. અહીં વનવિભાગ દ્વારા પ્રવાસીઓને નવી ખરીદવામાં આવેલી ઇલેક્ટ્રિક કારમાં જંગલ સફારી કરાવવામાં આવે છે. શાળાના વિદ્યાર્થીઓએ પણ જંગલ અને પશુઓ વિશે જાણકારી મળતાં ખુશી વ્યક્ત કરી હતી.