BAPS સ્વામિનારાયણ મંદિર-સેલવાસ દ્વારા તાજેતરમાં પારિવારિક શાંતિ અભિયાન અંતર્ગત 38,458 ઘરોનો સંપર્ક કરાયો હતો. તો આ પ્રસંગે યોજાયેલા નારાયણ ચરણદાસ સ્વામીના પ્રવચનનો લાભ પણ હજારો હરિભક્તોએ લીધો હતો. હાલમાં પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે એના ઉપલક્ષમાં પારિવારિક શાંતિ અભિયાન હાથ કરાયું હતું, જેમાં 617 પુરુષો દ્વારા 14,218 ઘરનો સંપર્ક કરાયો હતો. એ જ પ્રમાણે 645 મહિલાઓએ 22,164 ઘરોનો સંપર્ક કર્યો હતો. આ તમામના પ્રયાસથી 736 લોકો વ્યસનમુક્ત થયા હતા. એ જ પ્રમાણે બહેનોએ 1691 તેમજ ભાઈઓએ 1166 ઘરસભા કરી હતી. તો બહેનોએ 17,921 લોકો સાથે જ્યારે ભાઈઓએ 6350 લોકો સાથે સમૂહ ભજન કર્યા હતા. અભિયાન હેઠળ લગભગ 86,319 લોકોએ સદાચાર જીવન જીવવાની પ્રેરણા પ્રાપ્ત કરી હતી. સ્વામિનારાયણ મંદિર- સેલવાસ ખાતે પ્રમુખ સ્વામી હોલમાં પ.પૂ. નારાયણ ચરણદાસ સ્વામીનું પ્રવચન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે પ.પૂ. નારાયણ ચરણદાસ સ્વામીએ 40 વર્ષ સુધી પૂ. પ્રમુખ સ્વામીના અંગત સેવક તરીકે રહ્યા હતા.