અમદાવાદ: ભારતીય મૂળના રંગભેદવિરોધી સામાજિક કાર્યકર ઈબ્રાહિમ ઈસ્માઇલ ઈબ્રાહિમનું ૮૪ વર્ષની વયે સાઉથ આફ્રિકામાં નિધન થયું છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ચાસા ગામના વતની ઈબ્રાહિમ ઈસ્માઇલ ઈબ્રાહિમ રોબેન દ્વીપ પર નેલ્સન મંડેલા અને અહમદ કથરાડાની સાથે વર્ષો સુધી જેલમાં રહ્યાં હતાં. સાઉથ આફ્રિકાની સત્તાધારી પાર્ટી આફ્રિકન નેશનલ કોંગ્રેસ (એએનસી)એ તેમના નિધનની પુષ્ટિ કરતાં જણાવ્યું છે કે, લાંબો સમય બીમાર રહ્યા બાદ ઈબ્રાહિમ ઈસ્માઇલ ઈબ્રાહિમનું તેમના નિવાસસ્થાને મૃત્યુ થયું છે. સાઉથ આફ્રિકામાં ભારતીયોના આંદોલન પર રોક લગાવતા કાયદાનું ઉલ્લંઘન કરવા પર તેમના પિતાની બે વાર ધરપકડ કરાતા ઈબ્રાહિમ ઈસ્માઇલ માત્ર ૧૩ વર્ષની ઉંમરે જ મુક્તિસંગ્રામમાં સક્રિય થઈ ગયા હતા.
‘એબી’ના નામે જાણીતા ઈબ્રાહિમ ઈસ્માઇલ અનેકવાર એ વાતનો ઉલ્લેખ કરતાં હતા કે કેવી રીતે તેઓ મહાત્મા ગાંધીની સત્યાગ્રહ શૈલીથી પ્રેરિત થયા હતા અને તેનો ઉપયોગ પોતે શ્રીલંકા, રવાન્ડા, કોસોવો, બોલીવિયા અને નેપાળમાં વૈશ્વિક સંઘર્ષની સ્થિતિઓમાં એએનસીનું પ્રતિનિધિત્વ કરતી વખતે કર્યો હતો.
વિદેશ મંત્રાલયમાં
નાયબ મંત્રી
જેલમુક્તિ પછી ઈબ્રાહિમ ઈસ્માઇલ જાહેર જીવનથી થોડા દૂર જતા રહ્યા હતા. આ સમયે પણ તેમણે આફ્રિકન નેશનલ કોંગ્રેસને મજબૂત કરવાનું કામ ચાલુ રાખ્યું હતું. જોકે, પોલીસે તેમની ફરી ધરપકડ કરીને રોબેન આઇલેન્ડ પર કેદ કરી દીધા હતા. તમામ રાજકીય કેદીઓની મુક્તિ બાદ, નેલ્સન મંડેલા સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે તેમણે ઈબ્રાહિમ ઈસ્માઇલની વિદેશી મામલાના નાયબ મંત્રી તરીકે નિમણૂંક કરીને સંસદીય બાબતોનો હવાલો પણ સોંપ્યો હતો.
પિતા ૧૯૩૩માં સાઉથ આફ્રિકા ગયા હતા
શૈનન ઈબ્રાહિમે તેમના પતિની આત્મકથા ‘ઈબ્રાહિમ ઈબ્રાહિમઃ અ જેન્ટલ રિવોલ્યુશન’માં લખ્યું છે કે ઈબ્રાહિમનો જન્મ ૧૯૩૭માં થયો હતો. તેમનાં માતા-પિતા ભારતીય મૂળના હતા. તેમની માતા અને નાનીનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો, પરંતુ તેમના પિતા મોહમ્મદ આદમ મોદન ૧૯૩૩માં ગુજરાતથી વહાણમાં બેસીને દક્ષિણ આફ્રિકા આવ્યા હતા. તેમનું મૂળ વતન અલીપોર પાસે આવેલું ચાસા ગામ છે.