સુરત: ઉંમર 105 વર્ષની છે, પણ એકદમ તંદુરસ્ત જીવન જીવી રહેલા મૂળ ભાવનગર જિલ્લાના અધેવાડા ગામના સાચપરા પરિવારના રળિયાતબાનું જીવતા જગતિયું વૃંદાવન ફાર્મ ખાતે મહામંડલેશ્વર જગદીશાનંદસાગર મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં કરાયું હતું. જેમાં તેમના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં સગા-સ્નેહીઓ હાજર રહ્યા હતા.
જીવતા જગતિયાનો અર્થ વ્યક્તિ પોતાના જીવિત પોતાના હાથે પોતાના અંતિમ સંસ્કાર કરે, પોતાના હાથે પોતાનું પિંડદાન કરે, પોતાનું શ્રાદ્ધ કરે, પોતાના હાથે દાનપુણ્ય કરે વગેરે તમામ વિધિ પંડિતની હાજરીમાં અને સગાં-સ્નેહીઓની હાજરીમાં કરવામાં આવે છે.
રળિયાતબાના પુત્ર વશરામભાઈ જણાવ્યું હતું કે આ જગતમાં માતા-પિતા સમાન કોઈ દેવ નથી. માતાની ઈચ્છા હતી કે પોતાના જ હાથે પોતાના જીવતમાં બધી જ ક્રિયાઓ કરવી.
તેમણે કહ્યું હતું કે બાની ઈચ્છા મુજબ અમારા ચાર પેઢીના પરિવારના 63 સભ્યોનો સમૂહ છે. સૌરાષ્ટ્ર, સુરત, મુંબઈ વગેરેથી પરિવારજનો હાજર રહ્યા હતા. વર્તમાન સમયમાં માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવનારા સંતાનો માટે પ્રેરણાદાયી બાબત કહી શકાય.