સુરત: કોવિડ નિયંત્રણો હટ્યા છે ત્યારથી રેસ્ટોરાં અને ભોજનાલયો ગ્રાહકોને નીતનવી સુવિધાઓ ઓફર કરીને પોતાની તરફ ખેંચવાની કોશિશ કરી રહ્યા છે. હાલમાં જ સુરતમાં એક રેસ્ટોરાંમાં પણ કંઈક આવું જ બન્યું છે. અહીં વેઈટર દ્વારા નહીં પણ ટોય ટ્રેન દ્વારા ભોજન સર્વ કરવાની અનોખી રીત અપનાવવામાં આવી છે. આ રેસ્ટોરાંની થીમે લોકોને ભોજનનો આનંદ લેવા માટે આકર્ષિત કર્યા છે. જ્યાં કોઈ વેઈટરની મદદ વગર જ ઓર્ડર કરાયેલું ભોજન ટોય ટ્રેનથી સીધું ગ્રાહકોને ટેબલ પર પહોંચાડાય છે.
રેસ્ટોરાંના વીડિયોમાં એક ટોય ટ્રેન કિચનથી કસ્ટમરની બેસવાની જગ્યા પાસે વિવિધ વ્યંજનની પ્લેટ પહોંચાડતી જોઈ શકાય છે. ટ્રેનનાં અલગ અલગ ડબ્બામાં બ્રેડ, ગ્રેવી અને પાપડ જેવા અન્ય ખાદ્યપદાર્થો જોવા મળી રહ્યા છે. દિલચસ્પ વાત એ છે કે દરેક ટેબલને - રેલવે સ્ટેશનની જેમ - સુરતના શહેરના ક્ષેત્રો અનુસાર, નામ પણ આપવામાં આવ્યા છે.
આ રેસ્ટોરાં ટ્રેનિયન એક્સપ્રેસ સુરતના વેસુ વિસ્તારમાં આવેલી છે. રેસ્ટોરાંના અનોખા અને નવીન કન્સેપ્ટની ગ્રાહકો દ્વારા પ્રશંસા કરાઈ રહી છે.
એક ગ્રાહકે કહ્યું કે તમે જે જગ્યાએ ઓર્ડર કર્યો છે તે જ જગ્યાએ તમને ઓર્ડર ટ્રેન દ્વારા પહોંચાડવામાં આવે છે. ઓછામાં ઓછું એક વાર અજમાવી જુઓ. અદભૂત સ્થળ... શાનદાર માહોલ... સ્વાદિષ્ટ ભોજન, અદ્વિતીય.... બીજા ગ્રાહકે લખ્યું કે સરસ થીમ આધારિત રેસ્ટોરાં, બાળકો માટે ભોજન સાથે આવનારી ટ્રેનનો આનંદ માણવા માટેનું ઉત્તમ સ્થળ, સ્વાદ સરસ છે. કિંમત અન્ય રેસ્ટોરન્ટ જેટલી જ છે.
કેટલાક ગ્રાહકોએ એમ પણ કહ્યું કે કોવિડ પછીના યુગમાં સર્વ કરવાની આ રીત અર્થપૂર્ણ છે. ઉલ્લેખનીય છે કે આ ટોય ટ્રેનનો કન્સેપ્ટ ગુજરાતમાં જરૂર પહેલો છે, પરંતુ ભારતમાં નહીં. આવા ટોય ટ્રેન રેસ્ટોરાંનો કન્સેપ્ટ હૈદરાબાદ અને ઈન્દોર સહિત અન્ય ભારતીય શહેરોમાં પણ જોવા મળે છે.