અમદાવાદ: આણંદમાં રહેતો યુવાન આફ્રિકાના કોંગોમાં કામ કરતો હતો, પરંતુ ૨૫ ઓક્ટોબરે તેની ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. જેથી આણંદમાં રહેતાં તેના માતાપિતાને આફ્રિકા જવા માટે પાસપોર્ટની જરૂરિયાત પડતાં તેમણે અમદાવાદ સ્થિત રિજનલ પાસપોર્ટ ઓફિસર (આરપીઓ)નો તાકિદની વિનંતી સાથે સંપર્ક કર્યો હતો. આ પછી પ્રાદેશિક પાસપોર્ટ અધિકારીએ તેમની પરિસ્થિતિ પ્રત્યે માનવીય અભિગમ અપનાવીને માત્ર બે કલાકમાં જ નવો પાસપોર્ટ ઈશ્યૂ કર્યો હતો. આફ્રિકાના કોંગોમાં કામ કરતા આણંદના અઝીમ હસનઅલી ધાનાણીની ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. જેની જાણ આણંદ ખાતે રહેતા તેના માતા-પિતા રોઝીનાબાનુ અને હસનઅલી ધાનાણીને થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. બાદમાં માતાપિતાએ આફ્રિકા જવા માટે પાસપોર્ટની જરૂરિયાત ઉભી થતાં તાકિદે વિનંતી સાથે રિજનલ પાસપોર્ટ ઓફિસ - અમદાવાદનો સંપર્ક કર્યો હતો. જેથી ત્યાં ઉપસ્થિત પ્રાદેશિક પાસપોર્ટ અધિકારીએ તેમની વિગતો મેળવીને તેમની પરિસ્થિતિ પ્રત્યે માનવીય અભિગમ અપનાવીને માત્ર બે કલાકમાં નવો પાસપોર્ટ ઈશ્યૂ કર્યો હતો.