ગાંધીનગરઃ અમૂલની મુલાકાતે આવેલા ન્યૂ ઝીલેન્ડના કૃષિ પ્રધાને સાતમીએ જણાવ્યું હતું કે, ભારત આરસીઇપીમાં ન જોડાતા અમે નિરાશ થયા છીએ જ્યારે અમૂલના એમડી ડો. સોઢીએ કહ્યું હતું કે, મંદી- મંદીની વાતો વચ્ચે પણ અમૂલનું વેચાણ ૨૫ ટકા વધ્યું છે. અમૂલ દ્વારા આણંદ સહિત વિવિધ વિસ્તારમાં ભારતના કો-ઓપરેટીવ સેકટર અને ખેડૂતોની સ્થિતિ અને વાર્તાલાપ માટે ન્યૂ ઝીલેન્ડના કૃષિ પ્રધાન ઓકોનોર આવ્યા હતા. તેમણે અમૂલનો પ્લાન્ટ, ખેડૂતો, દૂધ કલેકશન, વિતરણ, પ્રોડકશન સહિતની માહિતી મેળવી હતી. તેમણે કહ્યું હતું કે, આરસીઇપીમાં ન જોડાવવા માટે ભારતે કેટલાક કારણો રજૂ કર્યા છે. આરસીઇપીમાં જોડાયેલા અન્ય દેશ પણ ભારતના પ્રશ્નોનું નિરાકરણ માટે પ્રયાસ કરી રહ્યા છીએ. આરસીઇપીમાં ન જોડાયા તો પણ બંને દેશ વચ્ચે વેપાર તો થઇ શકે જ છે. આરસીઇપીમાં ન જોડાવવાના ભારતના નિર્ણય અંગે ડેમિયન ઓકોનોરે કહ્યું કે, તે બાબત તો ભારત દેશના નેતાઓ જ કહીં શકે. તેમણે કહ્યું હતું કે, ન્યૂ ઝીલેન્ડ માટે ભારતમાં મોટું માર્કેટ નથી, પણ ટેકનિકલ આપ-લે થઇ શકે છે.
ન્યૂ ઝીલેન્ડની મદદથી દૂધનું ઉત્પાદન વધારાશે
જીસીએમએમએફના એમ. ડી. સોઢીએ કહ્યું કે, ન્યૂ ઝીલેન્ડની ભારત કરતા પ્રોડકશન કોસ્ટ ૨૫ ટકા ઓછી છે. ખેડૂતોને ૨૫ ટકા ઓછા ભાવે દૂધની પડતર થાય છે. તેની પાછળનું કારણ ન્યૂ ઝીલેન્ડમાં પશુઓના ખોરાક સસ્તો છે, ત્યાં ખુલ્લા મેદાન છે, ચરીને પશુ આવી જાય છે. આપણે ત્યાં મેદાન નથી. વળી, તેમણે કહ્યું હતું કે, આપણે ન્યૂ ઝીલેન્ડનું બીજદાન, તાલીમ, ઉછેર ટેકનોલોજીનો ઉપયોગ કરીને દૂધનું પ્રોડકશન સસ્તું અને વધે તેવા પ્રયાસ કરીશું. તેમણે કહ્યું હતું કે, ખેડૂતોની આવક બમણી કરવા માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ.