વડોદરાઃ હાલમાં અયોધ્યામાં રામ મંદિર કેસ મહત્ત્વનો મુદ્દો ગણાઈ રહ્યો છે. તે સમયે ઉલ્લેખનીય છે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના ઓરિએન્ટલ ઈન્સ્ટિટ્યૂટમાં સચવાયેલી હસ્તપ્રતને અયોધ્યામાં વિવાદિત સ્થળે રામજન્મભૂમિ હોવાના પુરાવા તરીકે વર્ષ ૨૦૦૫માં અલ્હાબાદ હાઇ કોર્ટમાં રામજન્મભૂમિના પક્ષકારો તરફથી રજૂ કરવામાં આવી હતી. અયોધ્યામાં વિવાદિત સ્થળે રામ મંદિર જ હોવાનો પુરાવો વડોદરાએ તે વખતે આપ્યો હતો. ૧૯૧૫ની આસપાસ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે દેશમાંથી હસ્તપ્રતો એકત્રિત કરવા માટે સંસ્કૃતના વિદ્વાનોને મોકલ્યા હતા. જેમાં પંડિત અનંત ક્રિષ્ણ શાસ્ત્રી, સી. ડી. દલાલ સહિતના વિદ્વાનોનો સમાવેશ થતો હતો. તે સમયગાળામાં એકત્ર થયેલી હસ્તપ્રતોમાં અયોધ્યા મહિમાની હસ્તપ્રત મળી આવી હતી. તે સમયે આ હસ્તપ્રત શહેરની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં સંસ્કૃત વિભાગના પ્રાચ્યવિદ્યા મંદિરમાં સાચવવામાં આવી હતી.
સ્કંદપુરાણમાંના અયોધ્યા મહાત્મની હસ્તપ્રત હરિશંકર નામના વિદ્વાને સંસ્કૃતભાષામાં ૧૪મી સપ્ટેમ્બર ૧૬૫૫ (સંવત ૧૭૧૨)ના રોજ લખાઇ હતી. આ હસ્તપ્રતનું મહત્ત્વ એટલે વિશેષ હતું કે તે કોણે લખી છે અને કયારે લખી છે. તેનો ઉલ્લેખ છે. આ ૩૫૫ જૂની અયોધ્યા મહાત્મની હસ્તપ્રતમાં રામજન્મ ભૂમિ કયા સ્થળે છે તેનુ વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં રામજન્મ ભૂમિ વિધ્નેશ્વર આશ્રમની પૂર્વમાં, વશિષ્ઠ આશ્રમની ઉત્તરે અને લોમસ આશ્રમની પશ્ચિમમાં છે. વિધ્નેશ્વર આશ્રમથી તે ૧૦૮ ધનુષ દૂર અને લોમસ આશ્રમથી ૫૦ ધનુષ દૂર છે. સ્કંદપુરાણની રચના ૭મી સદીમાં થઇ હતી.
અયોધ્યામાં વિવાદિત સ્થળે રામજન્મભૂમિ હોવા અંગેનો કેસ અલહાબાદ હાઇકોર્ટમાં ચાલતો હતો. આ સમયે રામજન્મભૂમિ પુનરોત્થાન સમિતિના વાઇસ પ્રેસિડન્ટ અવમુકતેશ્વરાનંદે આ હસ્તપ્રત વિવાદિત સ્થળે જ રામજન્મભૂમિ હોવાના પુરાવા તરીકે અત્રેના પ્રાચ્યવિદ્યા મંદિરમાંથી મંગાવી ૯મી જૂન ૨૦૦૫ના રોજ અલહાબાદ હાઇ કોર્ટમાં રજૂ કરી હતી. અયોધ્યાના મંદિરોનું ભૌગોલિક અને ધાર્મિક મહત્ત્વ સહિતની વિગતો અને અયોધ્યા મહિમા સ્કંદપુરાણના એક ભાગ અયોધ્યા મહાત્મ્યમાં છે. અગાઉ પુરાણોની સાથે ધાર્મિક સ્થળોનું મહત્ત્વ, સ્થાનના દેવતાઓની પૂજા કઇ રીતે કરવાથી વિશેષ ફળ મળે તે સહિતની વિગતો તેમાં દર્શાવાતી હતી. અયોધ્યા મહાત્મ્યમાં અયોધ્યામાં આવેલા મંદિરો સહિતના સ્થળોનું ભૌગોલિક અને ધાર્મિક મહત્ત્વ તેમાં દર્શાવાયું છે. આ હસ્તપ્રત લખનાર હરિશંકરની ૩૫૫ વર્ષ જૂની આ હસ્તપ્રત ઓરિએન્ટલ પ્રારંભથી જ સચાવેલી હોવાનું ઈન્સ્ટિટ્યૂટના ઇન્ચાર્જ ડાયરેકટર ડો. શ્વેતા પ્રજાપતિએ જણાવ્યું હતુ.