વડોદરાઃ મધ્ય પ્રદેશના ધાર શહેર પાસે ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર સોમવારે વડોદરાના વડસર અને સમાના પરિવારને અકસ્માત નડતાં ત્રણ મહિલા અને એક પુરુષ સહિત ૪ લોકોનાં મોત થયાં હતાં. પરિવાર ઓમકારેશ્વરમાં સ્નાન અને દર્શન માટે જઈ રહ્યો હતો ત્યારે કાર હાઈવે પર ઉભેલા એક રેતીના ડમ્પરમાં ઘૂસી જતાં દુર્ઘટના બની હતી. આ ઘટનામાં કાર ચલાવી રહેલા દીપક ઠાકુરને ગંભીર ઈજા થતાં હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યારે તમામ મૃતદેહોનું ધારની જિલ્લા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
આ ઘટનામાં વડોદરાના બિલ્ડર પ્રવીણભાઇ પટેલ અને તેમનાં પત્ની અમિષાબહેન, ભાભી સુમિત્રાબહેન દીલિપભાઈ પટેલ અને વર્ષા બહેન ઠાકુરનાં મૃત્યુ થયાં હતાં. ચારેયનાં મૃતદેહોને સોમવારે મોડી રાત્રે વડોદરા લવાયાં હતાં. પ્રવીણભાઈનો પુત્ર ધ્રુવ અને સુમિત્રાબહેનના બે પુત્રોમાંથી મિતેશ કેનેડામાં અભ્યાસ કરતા હોવાથી કુટુંબના બંને પુત્રો વડોદરા આવે પછી પ્રવીણભાઈ, અમિષાબહેન અને સુમિત્રાબહેનનાં અંતિમ સંસ્કાર બુધવારે કરવાનો નિર્ણય ભારે હૈયે લેવાયો હોવાનું દિલીપભાઈએ જણાવ્યું હતું. વર્ષાબહેન ઠાકુરના મંગળવારે અંતિમ સંસ્કાર કરાયા હતા.
બે મહિના પહેલાં જ પુત્ર કેનેડા ગયો હતો
પ્રવીણભાઇનો ધ્રુવ બે મહિના પહેલાં જ આર્કિટેક્ટરના અભ્યાસ માટે કેનેડા ગયો હતો. ધ્રુવ તેમનો એકનો એક પુત્ર છે. સુમિત્રાબહેનને રોશન અને મિતેશ નામના બે પુત્ર છે. જેમાંથી મિતેશ પણ કેનેડામાં ત્રણ વર્ષથી અભ્યાસ કરે છે.