સેવાલિયા: મુંબઈ કસ્ટમ્સ અધિકારીઓએ છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પરથી ઇતિહાસમાં સૌથી વધુ 32 કરોડ રૂપિયાનું 61 કિલો સોનું ઝડપી પાડ્યું હતું. આ સોનાની દાણચોરી પ્રકરણમાં સાત પૈકી બે યુવકો ગળતેશ્વર તાલુકાના માલવણ અને અંગાડીના હોવાનું બહાર આવ્યું છે.
આ બન્ને યુવકોની પૂછપરછ કરતા તેમને સોનું ભરેલા કમરપટ્ટા ટ્રાન્ઝિસ્ટ વખતે દોહા એરપોર્ટ પર એક સુદાની નાગરિક દ્વારા અપાયા હોવાનું જણાવ્યું હતું. ઝડપાયેલા ઈસમોમાં દીપ્તેશ ગોરધન પટેલ (માલવણ તા. ગળતેશ્વર) તેમજ રોનકકુમાર અરવિંદ પટેલ (અંગાડી, તા. ચપટીયા) હોવાનું બહાર આવ્યું છે. આ બંને યુવાનો મિત્રો છે, અને પૂના ખાતે નોકરી મળી છે. અમે દર 15 દિવસે ઘરે આવીશું તેમ જણાવીને એક મહિના અગાઉ ઘરેથી નીકળ્યા હતા. બંને યુવકો ખેડુત પરિવારના છે. રોનક અગાઉ બીડીની એજન્સીમાં નોકરી કરતો હતો. બંને યુવકો મહત્વાકાંક્ષી હોવાથી ઝડપી પૈસાદાર બનવા માટે દાણચોરીનો રસ્તો અપનાવ્યો હોવાનું ગ્રામજનો માની
રહ્યા છે.