સુરતઃ ‘બધા મોદી’ને ચોર કહેવાના કેસમાં દોષિત ઠરેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને કામચલાઉ રાહત જરૂર મળી છે, પરંતુ સાંસદ તરીકેનું સસ્પેન્શન યથાવત્ રહ્યું છે. કોંગ્રેસના યુવા નેતા સોમવારે નિષ્ણાત વકીલોની ફોજ ઉપરાંત પક્ષના રાષ્ટ્રીય નેતાઓ સાથે સુરતની સેશન્સ કોર્ટમાં પહોંચ્યા હતા અને બદનક્ષી કેસમાં મેટ્રોપોલિટન કોર્ટે ફરમાવેલી બે વર્ષ કેદની સજાને પડકારી તેની સામે સ્ટે માગ્યો હતો. આ સાથે જ તેમણે જામીન અરજી પણ રજૂ કરી હતી. કોર્ટે જોકે અપીલના આખરી નિકાલ સુધી જામીન અરજી તો મંજૂર કરી હતી, પણ સજા સામે સ્ટે માગતી અરજી સામે વધુ સુનાવણી 13 એપ્રિલે મુલત્વી રાખી છે.
દેશના રાજકારણમાં ખળભળાટ મચાવનાર આ બદનક્ષી કેસમાં ગત 23 માર્ચે ધારાસભ્ય પૂર્ણેશ મોદીની બદનક્ષી અંગેની ફરિયાદ સંદર્ભે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવી કલમ 499, 500 મુજબ બે વર્ષ કેદની સજા ફટકારી હતી. ચુકાદાના બીજા જ દિવસે રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ થયું હતું અને સાંસદ તરીકે તેમને ફાળવાયેલું સરકારી આવાસ ખાલી કરવાની નોટિસ પણ આપી દેવાઇ હતી.
69 પાનની અરજીમાં 81 મુદ્દા
ટ્રાયલ કોર્ટના ચુકાદાથી નારાજ રાહુલ ગાંધી વતી તેમની લીગલ ટીમે સેશન્સ કોર્ટમાં રજૂઆત કરી હતી કે ટ્રાયલ કોર્ટનો ચુકાદો ખરેખર તો ખોટો અને કાયદાથી પ્રસ્થાપિત સિદ્ધાંતો વિરુદ્ધ તેમજ ફક્ત પૂર્વધારણાને આધારે અપાયો હોવાનું જણાય છે.
ચુકાદાને પડકારતી 69 પાનાંની અપીલમાં કુલ 81 મુદ્દા ઉપસ્થિત કરાયા છે. જેમાં જણાવાયું છે કે રાહુલ ગાંધીને કોઈ પણ જાતના પુરાવા વિના દોષિત ઠેરવી દેવાયા છે. અપીલમાં જણાવાયું છે કે, નીચલી કોર્ટે કોઈ પણ જાતની તપાસ વિના સીધું સમન્સ ઇશ્યૂ કર્યું હતું અને આખી ટ્રાયલ જ ખોટી ચાલી છે.
ટ્રાયલ કોર્ટના ચુકાદાને ખોટો ગણાવતાં અપીલમાં જણાવાયું હતું કે, બેંગલૂરુના કોલાર ખાતેનું કથિત નિવેદન કોઈ જૂથ અથવા વ્યક્તિના સમૂહ સામેનું નથી, પરંતુ ટ્રાયલ કોર્ટે નિવેદનથી કોઈને આઘાત લાગ્યો છે અને તેની પ્રતિષ્ઠા ખરડાઈ છે એવું માની લઈ ચુકાદો આપ્યો છે.
રાહુલની અરજીના મુખ્ય મુદ્દાઓ
• કોઈ પણ પુરાવા વિના દોષિત ઠેરવીને સજા કરાઈ છે. • ટ્રાયલ કોર્ટે ચુકાદામાં સુપ્રીમ કોર્ટનો એક પણ ચુકાદો કે ક્વોટ પણ ટાંક્યો નથી. • કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતને બદલે અનુમાન આધારિત ચુકાદો છે. • કાયદા મુજબ ચુકાદો એકદમ ખરાબ (બેડ) છે. • રેકર્ડ ઉપરના પુરાવા યોગ્ય રીતે પુરવાર થયા નથી. • નિવેદન કોઈને ઈરાદાપર્વક હાનિ પહોંચાડવા માટે ન હતું.
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ હાજર
રાહુલ ગાંધી સાથે સોમવારે સુરત કોર્ટમાં હાજરી દરમિયાન કોંગ્રેસના ટોચના રાષ્ટ્રીય ચહેરાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બહેન પ્રિયંકા વાડ્રા ઉપરાંત કોંગ્રેસશાસિત ત્રણ રાજયોના મુખ્ય મંત્રીઓ - રાજસ્થાનના અશોક ગેહલોત, છત્તીસગઢના ભૂપેશ બધેલ તેમજ હિમાચલ પ્રદેશના મુખ્ય મંત્રી સુખવિંદ સિંહ સુક્ખાનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત દિગ્વિજયસિંહ, મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ ઉપરાંત નિષ્ણાત વકીલોની એક ટીમ દિલ્હીથી તેમની સાથે સુરત આવી હતી.
સંવિધાનના ધજાગરા ઊડ્યાઃ ગેહલોત
રાહુલ ગાંધીના સુરત આગમન અગાઉ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પ્રેસ કોન્ફરન્સ યોજીને કેન્દ્ર સરકાર ઉપર શાબ્દિક પ્રહાર કર્યા હતા. સત્તામાં બેઠેલા લોકો રાહુલ ગાંધીથી ડરી ગયા છે. કોંગ્રેસે દેશની જનતા માટે સત્તાપક્ષ સામે સત્યાગ્રહ શરૂ કર્યો છે. આજે દેશના સંવિધાનના ધજાગરા ઊડી ગયા છે, જે દેશ માટે ચિંતાનો વિષય છે. સરકારને લોક્શાહીમાં વિશ્વાસ જ નથી. તેઓ માત્ર લોકશાહીનો મુખવટો પહેરીને બેઠા છે. આજે સરકાર એટલી હદે ગભરાયેલી છે કે, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના સમયથી પડયંત્ર રચવાનું શરૂ કર્યુ છે. દેશમાં સમગ્ર સત્તા દબાણ હેઠળ છે. ઇડી અને સીબીઆઇ તાંડવ મચાવી રહ્યા છે.
500થી વધુ કોંગ્રેસી કાર્યકરોની અટક
સુરતમાં શહેર પોલીસે રાહુલના આગમન અગાઉ આશરે 500 કરતાં વધુ કાર્યકરોને ડિટેઇન કર્યા હતા. ઉપરાંત ડાંગ, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, મહારાષ્ટ્ર રાજ્યના સરહદી વિસ્તાર અને મુંબઇ શહેરમાંથી આવતા કાર્યકરોને ડિટેઈન કર્યા હતા. વડોદરા જિલ્લા અને છોટાઉદેપુર ખાતેથી કોંગ્રેસના કાર્યકરો અને અગ્રણીઓની અટકાયત કરાઇ હતી. ક્વાંટ તાલુકાના જામલી ખાતેથી વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતાને તેઓના સમર્થકો સાથે નજરકેદ કરાયા હતા. ભરૂચમાં 300થી વધુ કાર્યકરોની અટક કરાઈ હતી.