રોબિન્સવિલેઃ ન્યૂ જર્સીના રોબિન્સવિલેની ધરતી પર સાકાર થયેલા ભવ્યાતિભવ્ય અક્ષરધામ મંદિરના લોકાર્પણ સાથે જ અમેરિકાના ભાવિકો-ભક્તોની 12 વર્ષ લાંબી પ્રતીક્ષાનો અંત આવ્યો છે. રોબિન્સવિલેમાં 185 એકરના વિશાળ વિસ્તારમાં સાકાર થયેલા વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મંદિરને રવિવારે પ.પૂ. મહંત સ્વામી મહારાજના હસ્તે ખુલ્લું મૂકાયું હતું. પ્રાણપ્રતિષ્ઠા વિધિ અને ભવ્ય લોકાર્પણના આ અવસરે દેશવિદેશોના હજારો હરિભક્તો - મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અભૂતપૂર્વ આતશબાજીથી મહામંદિર સંકુલ તેજરશ્મિઓથી ઝળહળી ઊઠ્યું હતું.
પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના સંકલ્પ અનુસાર નિર્મિત આ અક્ષરધામ મંદિર સનાતન હિન્દુ ધર્મના શાંતિ, સંવાદિતા અને એકતાના વૈશ્વિક મૂલ્યોને ઉજાગર કરે છે. આ મંદિર સાંસ્કૃતિક અભિવ્યક્તિ, કલા, સ્થાપત્ય અને શિક્ષણનું બેજોડ સ્થાન બની રહેશે એમ કહી શકાય. આ પ્રસંગે હજારો હરિભક્તોએ પ.પૂ. મહંતસ્વામી મહારાજને તેઓના 90મા જન્મદિને ભક્તિઅર્ધ્ય અર્પણ કર્યાં હતાં. પ.પૂ. મહંત સ્વામી મહારાજે પ્રાણપ્રતિષ્ઠા બાદ આશીર્વચનમાં જણાવ્યું હતું કે ‘અહીં આવનાર સૌ કોઈ, તેમના જીવનમાં પરમ શાંતિ અને પરમ આનંદનો અનુભવ કરે તેવી પ્રાર્થના.’ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફથી ન્યૂ યોર્ક ખાતેના ભારતના કોન્સલ જનરલ રણધીર જયસ્વાલે આ પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતા.
પ્રમુખસ્વામી મહારાજનો સંકલ્પ સાકાર
ગાંધીનગર અને દિલ્હીમાં હાલ છે એવા ભવ્યાતિભવ્ય અક્ષરધામ મંદિરનું નિર્માણ કરવાનો વિરલ સંકલ્પ પરબ્રહ્મસ્વરૂપ પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજે કર્યો હતો, જે હવે સાકાર થયો છે. તેમની કલ્પના મુજબ જ આ અક્ષરધામ મંદિર સાકાર થયું છે. વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિની મહાનતા અને વિશાળ ફલકનું દ્યોતક બનેલું આ અક્ષરધામ મંદિર અનેકાનેક રીતે ઐતિહાસિક, અદભુત અને સવિશેષ છે. અક્ષરધામ મંદિર આધ્યાત્મિક પરંપરાનું પ્રતીક છે. મંદિરના તમામ પથ્થરમાં ભક્તિ અને શ્રદ્ધાનું સિંચન થયેલું છે. વિશ્વનું સૌથી મોટું મંદિર ફાર ઇસ્ટમાં આવેલું કંબોડિયાનું અંગકોરવાટનું મંદિર છે, જે વિષ્ણુમંદિર છે. હવે ન્યૂ જર્સીના રોબિન્સવિલનું અક્ષરધામ મંદિર વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું મંદિર બન્યું છે. આજના આધુનિક યુગનું તે સૌથી વિરાટ મંદિર છે.
દર વર્ષે 8 ઓક્ટોબરે ઉજવાશે ‘અક્ષરધામ ડે’
રોબિન્સવિલેમાં બંધાયેલા ભવ્ય અક્ષરધામ મંદિરની 25 દેશોના પ્રતિનિધિઓ અને એલચીઓએ મુલાકાત લીધી અને મંદિરના શિલ્પ, સ્થાપત્ય અને સુંદર કોતરણીકામ જોઇને મંત્રમુગ્ધ થઇ ગયા હતા. અમેરિકાના આર્થિક પાટનગર ન્યૂ યોર્ક સિટીના મેયર એરિક એડમ્સે દર વર્ષે 8 ઓક્ટોબરે ‘અક્ષરધામ ડે’ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. આ દિવસ ન્યૂ યોર્ક, ન્યૂ જર્સી અને પેન્સિલ્વાનિયા એમ ત્રણ રાજ્યોમાં આ દિવસ ઉજવાશે.
યુનાઇટેડ નેશન્સ ખાતે ભારતના કાયમી પ્રતિનિધિ રુચિરા કંબોજે યુનાઇટેડ નેશન્સના 75 સભ્યોના એક પ્રતિનિધિ મંડળને મંદિરની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું હતું અને તેઓની હાજરીમાં 8 ઓક્ટોબરને ‘અક્ષરધામ ડે’ જાહેર કરવાના સમાચારથી ખુશીનું મોજું પ્રસરી ગયું હતું. અક્ષરધામ મંદિર ખાતે પ્રતિનિધિના નાતે કંબોજે 25 દેશોની એલચી કચેરીના ઉચ્ચ અધિકારીઓ અને કેટલાંક દેશોનાં એલચીઓને આમંત્રણ આપ્યું હતું. તેમજ તેઓની મંદિર ખાતેની મુલાકાત દરમ્યાન જરૂરી તમામ પ્રકારનું સંકલન કર્યું હતું.
વિરાટ સ્વરૂપ નીલકંઠવર્ણી
ગુજરાતીઓની નોંધપાત્ર વસ્તી ધરાવતા ન્યૂ જર્સી સ્ટેટમાં આવેલો રોબિન્સવિલે વિસ્તાર આજકાલ આખા અમેરિકામાં સુવિખ્યાત બની ગયો છે. રોબિન્સવિલેમાં દૂરથી ભગવાન નીલકંઠ વર્ણીની વિરાટ પ્રતિમા સૌનું ધ્યાનાકર્ષિત કરી રહી છે. અહીં આકાર પામેલા અક્ષરધામમાં સ્થપાયેલી બ્રાસની બનેલી 49 ફૂટ ઊંચી આ પ્રતિમાનું વજન 20 ટન છે. ભારતીય શિલ્પકલાના નયનરમ્ય નમૂનારૂપ આવી પ્રતિમા બીએપીએસનાં વિશ્વનાં કોઇ મંદિરમાં નથી. આ પ્રતિમા તપ કરી રહેલા નીલકંઠવર્ણીની છે, જેમાં ભગવાન એક પગ પર ઊભેલા છે. એક પગ પર ઊભેલા નીલકંઠવર્ણીની આ વિરાટ પ્રતિમા ઘણી જ જહેમત બાદ તૈયાર કરાઇ છે, જેમાં વિશેષ ઇજનેરી કૌશલ્યનો ઉપયોગ કરાયો છે. 20 ટનનું વજન એક પગના ટેકા પર જાળવવાનું અદભુત અને પડકારરૂપ કૌશલ્ય એના નિર્માણમાં દાખવાયું છે.