દેશભરમાં લેવાયેલી ચાર્ટડ એકાઉન્ટન્ટની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે. માત્ર ૫.૭૫ ટકા પરિણામમાં રાજકોટ સેન્ટરના ૨૦ વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી છે. એમાં એક નામ રાજકોટના પારડી ગામમાં રહેતા યુવાન સાગર અતુલભાઈ સોંડાગરનું પણ છે. પ્રાથમિક શિક્ષણ સરકારી શાળામાં ત્યારબાદ ગુજરાતી માધ્યમમાં સાગર ભણ્યો હતો. સાગરના ઘરમાં કોઇ ૧૨થી વધારે ભણ્યું નથી. સાગર સીએમાં ઉત્તીર્ણ થતાં તેનો પરિવાર અત્યંત રાજી છે. સાગરના પિતા ઘરે ઘરે જઇ છૂટક સુથારી કામ કરે છે. સાગરની ઈચ્છા તેના પિતાની મજૂરી છોડાવવી છે અને તેમણે પકડેલો રંધો પણ મુકાવવા છે. સાગરના પિતા અતુલભાઇએ જણાવ્યું હતું કે, ગામડે પણ ભાડાના મકાનમાં રહીએ છીએ. હું ઘરે ઘરે જઇ મિસ્ત્રી કામ કરું છું. હવે દીકરો જવાબદારી સંભાળવા તૈયાર થઇ ગયો છે. આ કામ કરીશ તો પણ હવે શોખથી કરીશ.
રોજની ૧૦ કલાકની મહેનત
સાગરે જણાવ્યું હતું કે, પારડીથી કોઇને કોઇ કામ માટે રાજકોટ આવવું પડે. રોજ ૩૦ કિલોમીટરના અપડાઉન વચ્ચે ૧૦ કલાકની મહેનત કરતો. અંતે મહેનત રંગ લાવી છે. આગળ જઇને સીએમાં જ નામના મેળવવી છે. તેમજ ઘરનું ઘર લેવાની ઇચ્છા છે.