પોરબંદરઃ અડવાણા ગામના ખેડૂત લક્ષ્મણભાઇ ઓડેદરાએ આફ્રિકા અને યુગાન્ડા જેવા દેશમાં થતા મટુંડા ફળની ખેતી કરી છે. બે વીઘા જેટલી જમીનમાં મટુંડાની ખેતી કરીને સારી આવક તેઓ મેળવી રહ્યા છે. આ ફળની સુંગધ અનાનસ જેવી હોય છે જ્યારે તેનો સ્વાદ કેરી જેવો હોય છે. મટુંડાની એક વેલ પર વર્ષે ૮૦૦ જેટલા ફળ બેસે છે. મટુંડાના એક ફળની કિંમત રૂ. ૪૫ છે. જ્યારે એક ફળમાંથી ૫૦ બીજ નીકળે છે આ બીજના એક કિલોના રૂ. ૫ હજાર કિંમત ઉપજે છે. આમ ફળની ખેતીથી ખેડૂતને ફળ અને બીજ બન્નેની આવક થાય છે. મટુંડાના વેલ ઉપર એક વર્ષમાં ફળ બેસી જાય છે. નવરાત્રિમાં ફળ તૈયાર થઇ જાય છે. મટુંડા ફળમાંથી ચોકલેટ, કેક અને જ્યૂસ બનાવી શકાય છે.
પાંચ વર્ષ પહેલાં આફ્રિકાના કંપાલા શહેરમાં રહેતી લક્ષ્મણભાઈની બહેન જયારે ભારત આવી ત્યારે મટુંડાના બીજ લાવી હતી. એ પહેલા મટુંડા વિશે લક્ષ્મણભાઇ કશું જ જાણતા ન હતા. તેમણે તો માત્ર કુતૂહલવશ જ આ બીજનું નેટહાઉસમાં વાવેતર કર્યું હતું. તેમાં સફળતા મળતાં તેમણે બે વીઘા જમીનમાં મટુંડાની ખેતી કરી છે.