અમરેલી-જૂનાગઢઃ સારા વરસાદને લાંબો સમય વીતી ગયો હોવાથી ખેતરોમાં ઊભેલા પાકને છેલ્લે છેલ્લે જે જરૂર હતી તે પાણી ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. આવા સમયે સૌરાષ્ટ્રના વાતાવરણમાં ૩ સપ્ટેમ્બરે પલટો આવતા અમરેલી તથા જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારમાં અડધાથી બે ઈંચ જેટલો વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી. પાકને નવજીવન મળતા ધરતીપુત્રોને હાશકારો થયો હતો. જ્યારે જે સ્થળે હજુ વરસાદની રાહ જોવાઈ રહી છે ત્યાં ચિંતાના વાદળો છવાયા છે. ધારી, ખાંભા, વિસાવદર, ઉના, બગસરા વગેરેના ગામોમાં જરૂર હતી ત્યારે જ મેઘમહેર થઇ હતી. જૂનાગઢ નજીકના વંથલીમાં સોમવારે બે કલાકમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે આસપાસના વિસ્તારમાં અડધાથી એક ઈંચ વરસાદ થયો હતો. જૂનાગઢમાં માત્ર અમીછાંટણા જ થયા હતા.
• જૂનાગઢમાં રૂ. ૬૦૦ કરોડના ખર્ચે નવનિર્મિત મેડિકલ કોલજનું ઉદ્ધાટનઃ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે ૪ સપ્ટેમ્બરે જૂનાગઢમાં રૂ. ૬૦૦ કરોડના ખર્ચે નવનિર્મિત મેડિકલ કોલજનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આજનું વાતાવરણ, દિનચર્યામાં તેમ જ ખોરાક, હવા અને પાણીને કારણે આરોગ્ય સામે પડકાર ઊભો થયો છે. લોકો બીમાર ન પડે તે માટે જનજાગૃતિ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું. આપણા વડીલોએ આપેલ કહેવત ‘પહેલું સુખ તે જાતે નર્યા’ તે વિસરાયું છે. આજના વિદ્યાર્થીઓને કલા, સાહિત્યસભર રાખવા માટે સરકાર પ્રયાસ કરે છે. તેમાં મેડિકલના વિદ્યાર્થીઓને સમાવવા તેમણે હિમાયત કરી હતી.
• ભૂચર મોરીના મેદાનમાં શહીદ વન બનાવાશેઃ ગુજરાતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત અને શરણાગતના રક્ષણ માટે જામનગર રાજવી તથા મુગલો વચ્ચે ખેલાયેલા ભૂચર મોરીના યુદ્ધમાં શહીદ થયેલાઓની ૪ સપ્ટેમ્બરે મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે વંદના કરી હતી. આ પ્રસંગે તેમણે ભૂચર મોરીના મેદાનમાં વન મહોત્સવ અંતર્ગંત રાજ્યકક્ષાનું શહીદ વન બનાવવા માટેની નેમ વ્યક્ત કરી હતી. આ શહીદ વન દેશભક્તિનું પ્રેરણાસ્થાન બનશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
• સૌરાષ્ટ્ર ઉત્સવમાં ગળાડૂબઃ સૌરાષ્ટ્રવાસીઓ જન્માષ્ટમીની આખું વર્ષ રાહ જોતા હોય છે. કૃષ્ણ જન્મના આ મહોત્સવમાં સૌરાષ્ટ્રની ઉત્સવપ્રિય જનતા કૃષ્ણભક્તિમાં ગળાડૂબ થઇ જાય છે. મોટાભાગના જિલ્લા અને તાલુકા મથકોએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન થાય છે. નાના નગર અને ગામોમાં મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી, મટકી ફોડ, સંતવાણી સહિતના આયોજનો થાય છે. શનિવાર-રવિવારની રજામાં દ્વારકામાં દેશવિદેશથી ભક્તજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તમામ સ્થળે પોલીસ તંત્રના ચુસ્ત બંદોબસ્તને કારણે કોઇ અનિચ્છનીય બનાવ બન્યો નહતો અને જન્માષ્ટમીનું પર્વ શાંતિપૂર્વક ઉલ્લાસ સાથે ઉજવાયું હતું. જન્માષ્ટમીના તહેવારોને લીધે સૌરાષ્ટ્રના જુદાજુદા માર્કેટ યાર્ડમાં એક અઠવાડિયા સુધી વેકેશનનો માહોલ રહ્યો હતો. માર્કેટીંગ યાર્ડમાં ૩થી ૭ સપ્ટેમ્બર સુધી રજા જાહેર થઇ હતી. કેટલાક યાર્ડ ગુરુવાર સુધી બંધ રહ્યા હતા.
• શ્રાવણ માસે ભાવનગરમાં મંદિરની દાનપેટીને સરકારી સીલઃ ભાવનગરની મધ્યમાં અને કલેક્ટર કચેરી પાસે આવેલા શહેરનું પ્રાચીન ભીડભંજન મહાદેવ મંદિરમાં લોકોમાં ખૂબ જાણીતું છે. ગત સપ્તાહે આ મંદિરની દાન પેટીને સિટી મામલતદાર ગીતાબહેન પરમારે સીલ મારી દીધું હતું. મંદિરના પૂજારી અને સેવકોનું કહેવું છે કે, આ મંદિર અને જગ્યા ભાવનગરના મહારાજાએ આપેલી છે. સરકાર (વહીવટી તંત્ર) આ વાતનો વિરોધ કરે છે. પરિસરની માલિકી બાબતે કોર્ટમાં વિવાદ ચાલુ છે ત્યારે શ્રાવણ માસે જ દાન પેટી સીલ કરતા ભાવિકોમાં રોષ વ્યાપ્યો છે. કેટલાક અગ્રણીઓએ આ મુદ્દે સમાધાન માટે રજૂઆત કરી છે.
• ખંભાળિયા પંથકમાં નર્મદાના નીર આપવા માગઃ નવરચિત દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા સાર્વત્રિક ચિંતા વ્યાપી છે. ખૂબ જ ઓછા વરસાદને કારણે મહત્ત્વના એવા ઘી ડેમ સહિતના જળસ્રોતો સંપૂર્ણપણે ખાલી થઈ ગયા છે. આ પરિસ્થિતિમાં અનિવાર્ય એવા નર્મદા નદીના નીરની માગણી વચ્ચે અત્યાર લોકો પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ખંભાળિયા સહિતના શહેરોમાં સમયસર નર્મદા નીર ફાળવવામાં નહીં આવે તો બેડાયુદ્ધ સર્જાવા જેવી દહેશત જોવા મળી રહી છે.