અમરેલીની જવાહર નવોદય વિદ્યાલયનું ટેન્ડર મેળવી યુનિફોર્મ-સ્ટેશનરી સપ્લાય કરનારા અમદાવાદના વેપારી પાસેથી ટેન્ડરના બિલના ૧૦ ટકા, ટ્રાવેલિંગ ટિકિટ મળી કુલ ૫૦ હજારની લાંચ લેતા વિદ્યાલયના પ્રિન્સિપાલ બી. એન. પી શાસ્ત્રીની અમદાવાદ એન્ટીકરપ્શન બ્યૂરોએ ધરપકડ કરી છે.
અમદાવાદ એસીબીના પીઆઈ આર. એમ. સરોડેના જણાવ્યા અનુસાર, નવા નરોડાના રાધે ગોવિંદ ટેનામેન્ટમાં રહેતા રૂપેશભાઈ વાલજીભાઈ પટેલ અમરેલીના મોટા ભંડારિયા ખાતે આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં યુનિફોર્મ અને સ્ટેશનરી સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો. જવાહર નવોદય વિદ્યાલયના પ્રિન્સિપાલ બી. એન. પી. શાસ્ત્રીએ વેપારી રૂપેશભાઈને ‘તને મારા કારણે ટેન્ડર મળ્યું હોવાથી, ટેન્ડરની રૂ. ૧૧.૭૪ લાખના બિલની ૧૦ ટકા રકમ લાંચ પેટે આપવી પડશે.’ વેપારી સાથે તોલમાપ કરી પ્રિન્સિપાલે ૫૦ હજાર અને અમદાવાદથી અમરેલીની ટ્રાવેલ ટિકિટ બુક કરી આપવાની માગણી કરી હતી.