રાજકોટઃ વિદેશમાં રહીને ગુજરાતી ભાષા-સાહિત્ય ક્ષેત્રે ક્રિયાશીલ સારસ્વતને ગાર્ડી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ (ગ્રીડ્સ) દ્વારા પ્રતિ વર્ષ ડાયસ્પોરા લેખન પુરસ્કાર એનાયત થાય છે. આ વર્ષે છેલ્લા ચારેક દાયકાથી ગુજરાતી ડાયસ્પોરા કવિતા, નિબંધ અને નવલિકાક્ષેત્રે પ્રદાન કરી રહેલાં અમેરિકાસ્થિત લબ્ધપ્રતિષ્ઠિત લેખિકા પન્ના નાયકને આ એવોર્ડ અર્પણ થશે. ઈમેજ પબ્લિકેશન દ્વારા પન્ના નાયકના કાવ્યસંગ્રહો, સમગ્ર કવિતા અને વાર્તા સંગ્રહ ‘ફ્લેમિંગો’ પ્રગટ થયા છે તો ડો. બળવંત જાની દ્વારા ‘પન્ના નાયકનું ડાયસ્પોરા સાહિત્યવિશ્વ’ નામનું મૂલ્યાંકન મૂલક વિવેચન તથા પ્રતિનિધિ રચનાઓનું ચયન પ્રકાશિત થયું છે. તેઓ ‘ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા’ સાથે પણ ગાઢ રીતે સંકળાયેલા રહ્યા છે. વર્ષો સુધી પેન્સિલવિનિયા યુનિવર્સિટીમાં અધ્યાપન તેમ જ ગ્રંથાલય વિભાગ દ્વારા સેવારત રહી સેવાનિવૃત્ત થયા છે. આ વર્ષે ફિલાડેલ્ફિયામાં તેમને આ એવોર્ડ અર્પણ કરાશે એમ ‘ગ્રીડ્સ’ના માનદ્ નિયામક ડો. બળવંત જાનીએ જણાવ્યું છે. આ વર્ષે નિર્ણાયકો તરીકે ડો. બાબુ સુથાર (યુએસ), ડો. જયેશ ભોગાયતા (વડોદરા) અને ડો. ઉષા ઉપાધ્યાય (અમદાવાદ)ની સેવા લેવાઈ હતી. ઉલ્લેખનીય છે કે ડો. બાબુ સુથાર, મધુ રાય, ડો. જગદીશ દવે અને ડો. મધુસૂદન કાપડિયા જેવા સારસ્વતોને આ એવોર્ડ અર્પણ થઈ ચૂક્યા છે.