રાષ્ટ્રિય અને આતંરરાષ્ટ્રિય ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત કલાકાર અશોક ખાંટના ચિત્રો દુબઈના અમીરાત મોલ ખાતે આગામી ૬થી ૧૨ ફેબ્રુઆરી દરમ્યાન પ્રદર્શિત કરવામાં આવશે. આ બાબત સૌરાષ્ટ્ર અને ખાસ તો કલાજગત માટે ખૂબ ગૌરવપૂર્ણ છે. છેલ્લા કેટલાક વર્ષોથી આણંદની ભૂમિ પર વસવાટ કરતા અને ચિત્રકલા ક્ષેત્રે પ્રસિદ્ધિ મેળવનાર મૂળ સૌરાષ્ટ્રના ખેડૂત પરિવારમાંથી આવતા ભાયાવદરના વતની અશોક ખાંટના વાસ્તવિક શૈલીના તૈલચિત્રોએ લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. તેમની કલાયાત્રામાં વધુ એક સિદ્ધિ ઉમેરાઈ છે. મુંબઈના ઇન્ટરનેશનલ આર્ટ, યુએઇ ૧૬ ‘મુદ્રા આર્ટ’ આયોજિત ‘આર્ટ બિયોન્ટ બોર્ડર્સ’ નામે દેશના ખ્યાતનામ અને ઊભરતા કલાકારોના ચિત્રો તેમજ શિલ્પોનું આ કલા પ્રદર્શન દુબઈના પ્રખ્યાત અમીરાત મોલની ગેલેરી ઓફ લાઇટ ખાતે આવતા તારીખ ૬થી ૧૨ ફેબ્રુઆરીના યોજાનાર છે. તેમાં અશોક ખાંટના ગુજરાતના ગ્રામ્યજીવન પરના વાસ્તવિક શૈલી પર આધારિત ત્રણ તૈલચિત્રો પ્રદર્શિત થશે.