જામનગરઃ શહેરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સંચાલિત શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ ચિકિત્સાલય માટે ભારત સરકારની રૂ. ચાર કરોડ ૩૦ લાખની ગ્રાન્ટમાંથી નવનિર્મિત ‘પંચકર્મ ભવન’નું લોકાર્પણ ૧૬ સપ્ટેમ્બરે કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના પ્રધાન શ્રીપાદ યસ્સો નાયકના હસ્તે લોકાર્પણ થયું હતું. પંચકર્મ આયુર્વેદની એક શ્રેષ્ઠ ચિકિત્સા પદ્ધતિ છે. તેમાં વિવિધ કર્મો જેમ કે સ્નેહન, સ્વેદન, વમન, બસ્તિ, નસ્ય, રક્તમોક્ષણ વગેરેનો સમાવેશ થાય છે. આ ચિકિત્સા પદ્ધતિથી વિવિધ રોગો ચામડીના રોગો, સોરાયસીસ, સાંધાના સંધિવાત, આમવાત, કમર તથા મણકાના દુઃખાવામાં સારા પરિણામો મળે છે. ખાસ કરીને ચેતાતંત્રના રોગો જેવા કે સાઇટીકા, પક્ષઘાત વગેરે રોગોમાં શ્રેષ્ઠ પરિણામ મળે છે. આ ચિકિત્સાનો લાભ સામાન્ય જનતાને ‘વિનામૂલ્યે’ મળે તે હેતુથી આયુ. યુનિ. દ્વારા આ ભવનનું નિર્માણ કરાયું છે. કારણ કે ખાનગી ક્ષેત્રે આ બધી સારવાર દર્દીઓને પોષાતી નથી.