જેતપુરઃ આરબટીંબડી ગામે રામનવમીની ઉજવણી સાથે સાથે વરસાદનો વરતારો પણ નક્કી થાય છે. આ વરસાદનો વરતારોમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટે છે. આરબટીંબડીમાં આવેલા રામજી મંદિરના ચોકમાં આશરે સવાસો વર્ષથી વરસાદનો વરતારોની પરંપરા છે. આ પ્રથા પ્રમાણે માટીના એક પીંડમાં વચ્ચે લાકડી ખોડવામાં આવે છે. જેની બંને બાજુ મામા-ભાણેજ હાથમાં લાલ અને કાળા કલરનાં કપડાં બાંધેલી સોટીઓ મૂકે છે. ભગવાન શ્રીરામના જન્મોત્સવની આરતી સાથે મામા-ભાણેજના હાથમાં રહેલી વાંસની લાકડીઓ આપમેળે જ વળે તે ઉપરથી વરસાદ કેવો થશે અને આગામી વર્ષ કેવું થશે તે ગ્રામજનો નક્કી કરે છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ જો લાલ કલરનું કપડું બાંધેલી વાંસની લાકડી આપમેળે આકાશ તરફ ગોળાકાર વળે તો વરસાદ સારો થાય અને જો કાળા કપડાંવાળી લાકડી વળે તો વર્ષમાં ઓછા વરસાદ સાથે વર્ષ નબળું થવાની માન્યતા છે. આ વર્ષે આરબટીંબડી ગ્રામજનોની રામનવમીની માન્યતાઓ અને પરંપરા મુજબ સારો વરસાદ થશે તેવી વિગતો મળી છે.